Surat: સોશિયલ મીડિયામાં ઑપેરા હાઉસ એપાર્ટમેન્ટમાંથી બાળકો ગુમ થવાનો મેસેજ માત્ર અફવા, પોલીસને કરવી પડી સ્પષ્ટતા

છેલ્લા કેટલાક દિવસથી અમુક અસામાજિક તત્વો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અફવા ફેલાવવામાં આવે છે કે, સુરતના અલગ-અલગ વિસ્તારોમાં બાળકોને ચોરી કરવા માટે ગેંગ ફરી રહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 17 Feb 2026 06:30 PM (IST)Updated: Tue, 17 Feb 2026 06:30 PM (IST)
opera-house-apartment-child-abduction-message-fake-confirms-surat-police
HIGHLIGHTS
  • ખોટી અફવા ફેલાવનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે: DCP

Surat: છેલ્લા કેટલાક દિવસથી સુરત શહેરમાં આવેલા ઓપેરા હાઉસ નામના એપાર્ટમેન્ટથી બાળકો ગુમ થવા અંગેનો એક મેસેજ સોશ્યલ મીડિયા મારફતે વાયરલ થયો છે. આખરે આ મામલે પોલીસને સ્પષ્ટતા કરવી પડી છે.

પોલીસે જણાવ્યું કે, સુરત શહેર વિસ્તારમાં આવેલા ઓપેરા હાઉસ એપાર્ટમેન્ટમાં નાના બાળકોના અપહરણ અંગે ફેલાયેલી અફવા સંપૂર્ણપણે ખોટી અને બિનઆધારભૂત છે. સુરત શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવેલ છે અને આવી કોઈ ઘટના બનેલી નથી.

આ સાથે જ પોલીસે લોકોને અપીલ કરી છે કે, જનતાએ અફવાઓ પર વિશ્વાસ ન રાખવો અને સોશિયલ મીડિયા પર અજાણ માહિતી શેર ન કરવી. જો કોઇ વ્યક્તિ ખોટી માહિતી ઈરાદાપૂર્વક ફેલાવતો હોય તો તેની સામે ભારતીય ન્યાય સંહીતા ની કલમ (અફવા ફેલાવવી), Information Technology Act, 2000 સંબંધિત જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

કાયદો-વ્યવસ્થા તથા સમાજમાં સુલેહ શાંતિ જાળવવા માટે તથા ખોટી અફવાઓ ફેલાતી અટકાવવા માટે સુરત શહેર પોલીસને સહકાર આપવા તમામ શહેરી જનોને અપીલ કરવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર ક્રાઈમ બ્રાંચની નજર
સુરત શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુરત શહેર વિસ્તારમાં અમુક અસામાજિક તત્વો દ્વારા અફવા ફેલાવવામાં આવેલ છે કે, સુરત શહેરમાં બાળકોને ચોરી કરવા માટે ગેંગ ફરે છે. આ વાત તદન ખોટી છે અને આવી અફવાના કારણે શહેરના નાગરિકોને ઉશ્કેરવામાં આવે છે. આથી તેવા facebook / instagram તેમજ બીજા સોશિયલ મીડિયાના માધ્યમો ઉપર સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જરૂરી સર્વેલન્સ રાખવામાં આવેલ છે.

આવી અફવા ફેલાવનારા તત્વો ઉપર સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે તેમ જ સુરત શહેર ના નાગરિકોને અપીલ છે કે તે આવી અફવા કોઈ ફેલાવતું હોય તો પોલીસને જાણ કરે.

ખોટા મેસેજ ફેલાવનારા વ્યક્તિઓ વિરુય્દ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે : ડીસીપી
DCP લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી સુરત શહેરમાં આવેલા ઓપેરા હાઉસ નામના એપાર્ટમેન્ટથી બાળકો ગુમ થવા અંગેનો એક મેસેજ સોશ્યલ મીડિયા મારફતે વાયરલ થયો છે, જે બાબતની તપાસ કરતા સુરત શહેરમાં આવેલા વિવિધ ઓપેરા હાઉસ નામના એપાર્ટમેન્ટ મોટા વરાછા, ખટોદરા, સીટી લાઈટ તથા અન્ય વિસ્તારમાં આવેલા તમામ ઓપેરા હાઉસ સહીતના તમામ બિલ્ડીંગોમાં આ પ્રકારની કોઈ પણ ઘટના બની નથી તેની ખાતરી કરવામાં આવી છે.

આ અંગે ઊંડાણપૂર્વક તપાસ પણ કરવામાં આવી છે. બાળકો ગુમ થવા બાબતે સુરત શહેર પોલીસ ખુબ સંવેદનશીલ છે આ પ્રકારની કોઈ પણ ઘટના બને તો તાત્કાલિક પગલા ભરવામાં આવે છે, આ પ્રકારની સોશ્યલ મીડિયામાં જણાવેલી કોઈ પણ પ્રકારની ઘટના બનવા પામેલ નથી

સુરત શહેરના નાગરિકો અને બાળકોની સુરક્ષા માટે સુરત શહેર પોલીસ કટિબદ્ધ છે, ખોટા મેસેજ ફેલાવનારા વ્યક્તિઓ વિરુય્દ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે અને કડક કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે. કૃપા કરીને આ પ્રકારના ખોટા મેસેજ ફેલાવી સમાજમાં ભયનું વાતાવરણ ઉભું ન કરવામાં આવે તે માટે સૌ શહેરીજનોને અપીલ પણ કરવામાં આવે છે.

સુરત શહેર પોલીસ આપની સુરક્ષા માટે કટિબદ્ધ છે, કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તેનું સમાધાન પોલીસ વિભાગ પાસેથી મેળવવા માટે અને કોઈ પણ મેસેજ આપણા સુધી પહોંચે તો તેની પુષ્ટી અને વેરીફીકેશન માટે સ્થનીક પોલીસનો સંપર્ક કરવામાં આવે તે સૌ શહેરીજનોને અપીલ છે.