Surat: નવસારીના 20 વર્ષીય બ્રેઈનડેડ યુવકના હૃદય-કિડની સહિતના અંગોનું દાન, 4 લોકોને મળશે નવજીવન

યુવા અંગદાતા કૃણાલભાઈનો ગત 18 માર્ચે અકસ્માત સર્જાયો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 24 Mar 2026 04:28 PM (IST)Updated: Tue, 24 Mar 2026 04:28 PM (IST)
navsari-20-year-old-braindead-boy-krunal-organ-donation-in-surat-new-civil
HIGHLIGHTS
  • સુરત શહેરમાં થયુ વધુ એક અંગદાન
  • નવસારીનો 20 વર્ષીય બ્રેઈનડેડ યુવક
  • 4 જરૂરિયાતમંદને મળશે નવજીવન

Surat Organ Donation: ઓર્ગન ડોનર સિટી તરીકે આગવી ઓળખ ઉભી કરનાર સુરત શહેરમાં વધુ એક વખત માનવતા મહેકી ઉઠી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નવસારી જિલ્લાના વાંસદાના વતની 20 વર્ષીય બ્રેઈનડેડ યુવકના પરિવારે હૃદય, લીવર અને બે કિડનીનું દાન કરી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન બક્ષ્યું છે.

નવસારીના યુવકનો થયો હતો અકસ્માત

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી જિલ્લાના વાંસદાના દુકાન ફળીયામાં રહેતા 20 વર્ષીય કૃણાલભાઈ ગત 18 માર્ચ, બુધવારના રોજ બપોરે 2:00 વાગ્યે વાંસદાના ચિકટિયા ગામેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે વીજળીના થાંભલા સાથે તેમની બાઇક અથડાતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અકસ્માત બાદ તત્કાલ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને નજીકની વાંસદા હોસ્પિટલ અને ત્યારબાદ વલસાડની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. વધુ ગંભીર હાલત હોવાથી 19 માર્ચ, ગુરૂવારના રોજ તેમને સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

20 વર્ષીય યુવકને બ્રેઈનડેડ જાહેર કર્યો

જોકે, ગતરોજ 23 માર્ચ રવિવારના રોજ ડૉ. ભરત ચાવડા, ડૉ. નિલેશ કાછડીયા, ડૉ. જય પટેલ અને ન્યુરો સર્જન ડૉ. કેયુર પ્રજાપતિ સહિતના ડોક્ટરોની પેનલ દ્વારા કૃણાલભાઈને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. કૃણાલને બ્રેઇન ડેડ જાહેર કર્યા બાદ, RMO ડૉ. કેતન નાયક અને ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલાએ મૃતક યુવકના માતા-પિતાને અંગદાનનું વિશેષ મહત્વ સમજાવ્યું હતું.

પરિવારનો કઠિન પરંતુ પ્રેરણાદાયક નિર્ણય 

પોતાના વહાલસોયા પુત્રને ગુમાવવાના દુઃખ વચ્ચે પણ તેમના પિતા મહેન્દ્રભાઈ અને માતા વિધાબેને હૃદયદ્રાવક શબ્દોમાં કહ્યું હતું કે, "અંગદાનથી કોઇનું જીવન બચાવી શકાતું હોય તો અમારો કૃણાલ તેમના શરીરમાં જીવંત રહેશે". આટલું કહીને તેઓએ ભારે હૈયે અંગદાન માટે સહમતી આપી હતી.

હૃદય, લીવર અને બે કિડનીનું દાન

મૃતક યુવકના પરિવારની મંજૂરી મળ્યા બાદ, બ્રેઈનડેડ કૃણાલના હૃદય, લીવર અને બે કિડનીનું દાન કરવામાં આવ્યું. આ અંગોને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. જેમાં હૃદયને અમદાવાદની UN મહેતા હોસ્પિટલ ખાતે તથા લીવર અને બંને કિડનીને IKD હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે.

4 જરૂરિયાતમંદને મળશે નવજીવન

આ સમગ્ર અંગદાન પ્રક્રિયા નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી. જેમાં ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ અને સ્વયંસેવકોએ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એક યુવાનના અંગદાન થકી ચાર અન્ય પરિવારોના ઘરમાં આશાનું કિરણ પ્રગટ્યું છે.