સુરતમાં યોજાશે રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન, ક્યારે અને ક્યાં મળશે રસીના બે ટીપાં?

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 20 Nov 2026 07:38 PM (IST)Updated: Fri, 20 Nov 2026 07:38 PM (IST)
national-pulse-polio-vaccination-campaign-november-2026-surat-when-and-where-vaccine-available

National Pulse Polio Vaccination Campaign: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા રાજ્યના આરોગ્ય વિભાગના ઉપક્રમે આગામી 22 નવેમ્બર, રવિવારના રોજ સમગ્ર સુરત શહેર-જિલ્લામાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન યોજાશે. જેમાં શહેરના 6,84,563 અને ગ્રામ્ય વિસ્તારોમાં 1,96,225 બાળકો મળી કુલ 8,80,788 બાળકોને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી સુરક્ષિત કરવામાં આવશે.

રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન 2026

ભારત વર્ષોથી પોલિયો મુક્ત દેશ તરીકે ઓળખ જાળવી રાખવામાં સફળ રહ્યું છે. પાડોશી દેશોમાંથી પોલિયોના વાયરસનું સંક્રમણ ફરી ન ફેલાય તેમજ દરેક બાળકને આ જીવલેણ અને અપંગતા સર્જતી બીમારી સામે કાયમી સુરક્ષા મળી રહે તે હેતુથી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ 0 થી 5 વર્ષની વયજુથના તમામ બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવવામાં આવશે.

વહીવટી તંત્ર દ્વારા ત્રણ દિવસનું માઈક્રો પ્લાનિંગ

બાળકને અગાઉ નિયમિત રસીકરણ કાર્યક્રમ હેઠળ પોલિયોની રસી આપવામાં આવી હોય, તો પણ આ અભિયાન દરમિયાન બે ટીપાં પીવડાવવા અત્યંત જરૂરી છે. સુરત જિલ્લામાં ત્રણ દિવસીય અભિયાનને સફળ બનાવવા તમામ તાલુકાઓ, મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં માઈક્રો પ્લાનિંગ સાથે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રથમ દિવસે એટલે કે 22 નવેમ્બર, રવિવારના રોજ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 3372 પોલિયો બુથ કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત ઔદ્યોગિક વિસ્તારો, ઝૂંપડપટ્ટી, ઈંટોના ભઠ્ઠા અને બાંધકામ સાઈટ્સ જેવા વિસ્તારોમાં રહેતા શ્રમિકોના બાળકો માટે મોબાઇલ ટીમો પણ તૈનાત રહેશે.

કયા-કયા સ્થળે ઉપલબ્ધ હશે રસીકરણની વય્વસ્થા?

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC), આંગણવાડી કેન્દ્રો, શાળાઓ તેમજ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, હાટ બજાર, મંદિરો અને હાઇવે પરના ટ્રાન્ઝિટ પોઈન્ટ પર પણ રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે.

ત્યારબાદ, પ્રથમ દિવસે બુથ પર રસી પીવાથી વંચિત રહી ગયેલાં બાળકોને 23 અને 24 નવેમ્બરના રોજ આરોગ્ય વિભાગના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આશા બહેનો, આશા ફેસિલિટેટર અને આંગણવાડી કાર્યકરોની શહેરમાં 3,851 અને જિલ્લામાં 3,372 ટીમો એમ કુલ 7,223 ટીમો દ્વારા ઘરે-ઘરે મુલાકાત લઈને બાળકોને રસીના બે ટીપાં પીવડાવવામાં આવશે.

સુરત શહેર અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વાલીઓ, સામાજિક આગેવાનો, જનપ્રતિનિધિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોને આ રાષ્ટ્રીય અભિયાનમાં સક્રિય સહયોગ આપવા નમ્ર અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને તમામ માતા-પિતાને પોતાના બાળકોને 22 નવેમ્બરના રોજ નજીકના પોલિયો બુથ પર લઈ જઈ પોલિયોની રસીના બે ટીપાં અવશ્ય પીવડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.