Surat News: સુરતના સરથાણા ખાતે ભવ્ય તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ 10,000 થી વધુ લોકોને 'અંગદાન મહાદાન'ના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન સૌ લોકો ભક્તિના રંગે રંગેયાલા જોવા મળ્યા હતા.
ભવ્ય તુલસી વિવાહ મહોત્સવનું આયોજન
સુરતના સરથાણા જકાતનાકા સ્થિત નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તિભાવપૂર્વક ભવ્ય તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહના આ પાવન પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વિશેષ ઉપસ્થિત રહીને ભગવાનના વિવાહમાં પધારેલા 10,000 થી વધુ મહેમાનો, શ્રદ્ધાળુઓ અને સાજન-માજનને અંગદાન જાગૃતિના શપથ લેવડાવ્યા હતા.
જરૂરિયાતમંદોને નવજીવન આપવા અંગદાનના શપથ ગ્રહણ કર્યા
જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થાના નેજા હેઠળ અહીં ધાર્મિક ઉત્સવની સાથે સામાજિક ઉત્તરદાયિત્વના સમન્વય સાથે ઉપસ્થિત સૌ કોઈએ 'અંગદાન મહાદાન'ના સૂત્રને સાર્થક કરવાનો દૃઢ સંકલ્પ કર્યો હતો અને જરૂરિયાતમંદોને નવજીવન આપવા અંગદાનના શપથ ગ્રહણ કર્યા હતા.
મહોત્સવના મુખ્ય આયોજક શંભુભાઈ વેલજીભાઈ સવાણી તેમજ સમસ્ત સવાણી પરિવારના યજમાનપદે આયોજિત તુલસી વિવાહના માંગલિક અવસરે પધારેલા તમામ મહેમાનો અને ભક્તજનોને અંગદાનના મહત્વ વિશે માહિતગાર અને જાગૃત કરવામાં આવ્યા હતા. તુલસી વિવાહના આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
રાજ્યમંત્રીએ એક્સ પર પોસ્ટ મુકી આપી શુભકામના
પ્રફુલભાઈ પાનશેરીયાએ એક્સ પર પોસ્ટ મુકી લખ્યું કે, સુરત સરથાણા વિસ્તારમાં ભક્તિ, પરંપરા અને આધ્યાત્મિક આસ્થાનો પવિત્ર તુલસી વિવાહ મહોત્સવમાં સહભાગી બની ભગવાન શ્રીવિષ્ણુ અને માતા તુલસીના દિવ્ય વિવાહ પ્રસંગે પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી. આ મંગલમય અવસર સૌના જીવનમાં સુખ,સમૃદ્ધિ અને સદભાવનાનો સંચાર કરે તેવી પ્રાર્થના.
તમે ઘરે પણ કરી શકો છો તુલસી વિવાહનું આયોજન
જો તમે ઘરે તુલસી વિવાહનું આયોજન કરવા માગતા હોય તો તમે કરી શકો છો. આ માટે સૌથી પહેલાં તમારા ઘરના આંગણામાં સરસ મજાની રંગોળી બનાવો અને તમારા ઘરમાં રહેલા તુલસીના છોડની આસપાસ શેરડીનો મંડપ તૈયાર કરો. આ મંડપને ફૂલ ઉપરાંત તોરણથી સજાવટી કરો. ત્યાર બાદ માતા તુલસીને લાલ ચુંદડી અને સિંદૂર, ચાંદલો અને સાથે સાથે બંગડીઓથી શણગાર કરો.
આ રીતે કરો શાલિગ્રામની પધરામણી
તુલસી માતાને સરસ રીતે તૈયાર કર્યા બાદ તેમની બાજુમાં ભગવાન શાલિગ્રામને બેસાડવાના છે. જે માટે તેમની નજીક સ્વચ્છ આસન પર બનાવો. ત્યાર બાદ બંનેને હળદર અને કંકુ લગાવી લગ્નની વિધિ શરૂ કરવી. આ તૈયાર કર્યા બાદ તમે લાલ અથવા પીળા દોરાથી માતા તુલસી અને શાલિગ્રામની પૂજા કરો આમ સંપૂર્ણ વિધિ સાથે તુવલી માતા અને શાલિગ્રામની પૂજા કરો અને લગ્ન વિધિ કરો.
