Junagadh Lili Parikrama 2026: ગરવા ગિરનારની ગોદમાં આસ્થા અને ભક્તિના પ્રતિક સમાન લીલી પરિક્રમાનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. ગત વર્ષે અતિવૃષ્ટિને પગલે માત્ર પ્રતિકાત્મક પરિક્રમા યોજાઈ હોવાથી આ વર્ષે શ્રદ્ધાળુઓમાં બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરિણામે, નિર્ધારિત સમય કરતાં 17 કલાક પહેલાં જ 2 લાખથી વધુ ભાવિકો ભવનાથ તળેટીમાં ઉમટી પડતાં વહીવટી તંત્રે પરંપરામાં ફેરફાર કરીને વહેલો ગેટ ખોલવાની ફરજ પડી હતી.
17 કલાક વહેલો ખોલાયો ગેટ
વહીવટી તંત્ર દ્વારા અગાઉ 20 નવેમ્બરની મધરાત્રે 12 વાગ્યે પરિક્રમા શરુ કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ ગુરુવાર બપોરથી જ યાત્રાળુઓનો પ્રવાહ શરુ થતા રાત સુધીમાં પરિક્રમા ગેટ પાસે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. શ્રધ્ધાળુઓની ભારે ભીડને જોતાં શુક્રવારે વહેલી સવારે 5.45 કલાકે મામલતદારની ઉપસ્થિતિમાં ઈટવા ગેટ ખોલી નાખ્યો હતો. ત્યારબાદ મધરાતે ભગવાન દત્તાત્રેયની શાસ્ત્રોકત વિધિથી પૂજા-અર્ચના કરીને પોલીસ બેન્ડની સુરાવલી સાથે સાધુ-સંતો અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પરિક્રમાનો સત્તાવાર પ્રારંભ કરાયો હતો.
પ્રથમ દિવસે જ વાહનોનો ખડકલો
લીલી પરિક્રમાના પહેલા જ દિવસે રાજ્યભરના હજારો શ્રદ્ધાળુઓ પોતાના ખાનગી વાહનો લઇને પુણ્યનું ભાથું બાંધવા જૂનાગઢ પહોંચ્યા હતા. શુક્રવારે બપોર સુધીમાં શહેર અને તળેટી વિસ્તારના નિર્ધારિત તમામ પાર્કિંગ પ્લોટ હાઉસફુલ થઈ ગયા હતા. પાર્કિંગની જગ્યા ન મળતા વાહનચાલકોએ મુખ્ય રસ્તાઓની બંને બાજુ જ્યાં જગ્યા મળી ત્યાં વાહનો પાર્ક કરી દેતાં ઠેર ઠેર વાહનોના થપ્પા જોવા મળ્યા હતા. લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે 2500થી વધુ પોલીસ કર્મીઓ અને 450થી વધુ વન્યકર્મીઓ ખડેપગે તૈનાત કરાયા છે.
50 હજાર થેલીઓનું કરાયું વિતરણ
ગુજરાત સરકાર અને હાઇકોર્ટના આદેશ પ્રમાણે, પરિક્રમાના 36 કિમીના સમગ્ર જંગલ રુટ પર પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અભિયાનને વેગ આપવા માટે જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજ દ્વારા તૈયાર કરવામાં આવેલી સરકાર માન્ય 50 હજાર કાપડની થેલીઓનું સાધુ-સંતો અને અધિકારીઓના હસ્તે ભાવિકોને વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉદ્ધાટન સમયે સાધુ સંતોએ જંગલમાં આગ ન લાગે તેની સાથે વૃદ્ધો અને બાળકોને સાચવવાની અપીલ કરી હતી. આ પ્રસંગે મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતી બાપુ, મેયર, ધારાસભ્યો, જૂનાગઢ કલેક્ટર, આઈજી અને એસપી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
