Surat: ગુજરાતના રાજકારણમાં ગોંડલ છેલ્લા કેટલાક સમયથી ખાસ ચર્ચાના કેન્દ્રમાં રહ્યું છે, જેનું મુખ્ય કારણ પાટીદારોની સૌથી વધુ વસ્તી હોવા છતાં ગોંડલ વિધાનસભા બેઠક પર છેલ્લા ત્રણેક દાયકાથી જાડેજા પરિવારનું ચાલતુ એકહથ્થુ શાસન. એવામાં ગોંડલમાં પાટીદારોને એકજૂટ કરવા અને સ્વ. વિનુ શિંગાળાની પ્રતિમા સ્થાપવા માટે સુરતમાં પાટીદાર આગેવાનોની બેઠક મળી હતી. જેમાં નામ લીધા વિના અગ્રણીઓએ જાડેજા પરિવાર પર ચાબખાં માર્યા હતા.
હકીકતમાં ગત રવિવારના રોજ પાટીદાર એકતા માટે ગોંડલમાં સમાજ હિત માટે લડત ચલાવનારા વિનુ શિંગાળાની પ્રતિમા સ્થાપવા માટે યુવા પાટીદાર અગ્રણીઓની બેઠક મળી હતી. જેમાં ઉપસ્થિત રહેલા જિગિશા પટેલ, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા અને મેહુલ બોઘરાએ પાટીદારોને એકજૂટ થવા આહવાન કર્યું હતુ.
આ પણ વાંચો
પોતાના સંબોધનમાં જિગીશા પટેલે જણાવ્યું કે, પાટીદારો અને દલિતોને ગોંડલમાં શાંતિથી રહેવું હોય, તો બની બેઠેલા દાદાઓને પતાવવા પડશે. આપણે ક્યાં સુધી ડરીને જીવીશું? ગોંડલ APMC, ગોંડલની નાગરિક બેંક, નગર પાલિકામાં આ લોકોના માણસો જ બેઠા છે અને અહીંથી જ રાજકારણ રમાય છે. હવે આપણે ગોંડલને જલ્લાદોની બાનમાંથી મુક્ત કરાવવાનું છે.
બીજી તરફ સમાજ સેવક મેહુલ બોઘરાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ગોંડલમાં લોકશાહીના નામે લોહીયાળ ખાનદાન શાહી ચાલે છે. ગોંડલમાં 80 ટકા પાટીદારની વસ્તી હોવા છતાં આપણા કોઈ ધારાસભ્ય ના હોય, તે આપણે શરમથી ડૂબી જવું જોઈએ. પાટીદાર સમાજે પણ આ સંદર્ભે વિચારવું જોઈએ.
