Surat: કાકરાપાર ડેમમાં ડૂબી જવાથી ચાર પિતરાઈ ભાઈઓના મોત, એકને બચાવવા જતાં અન્ય ત્રણ કાળનો કોળિયો બન્યા

આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 12 May 2026 12:54 PM (IST)Updated: Tue, 12 May 2026 02:43 PM (IST)
mandvi-four-youths-die-drowning-in-kakrapar-dam-surat-accident-news
HIGHLIGHTS
  • કાકરાપાર ડેમમાં ડૂબી જવાથી યુવકોનું મોત
  • માંડવીના વાંકલ ગામના ચાર પિતરાઈ ભાઈ

Surat Kakrapar Dam Incident: સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા જાણીતા પ્રવાસન સ્થળ કાકરાપાર ડેમ પાસે રવિવારે એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. ડેમના પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ચાર પિતરાઈ ભાઈઓના મોત નીપજ્યા છે, જેને પગલે સમગ્ર પંથકમાં અને મૃતકોના પરિવારજનોમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.

એકને બચાવવા જતાં અન્ય ત્રણ મિત્રો ડૂબ્યા

મળતી પ્રાથમિક માહિતી મુજબ, ગઈકાલે 11 મે, રવિવારના બપોરના સમયે વાંકલ ગામનો એક યુવાન પશુઓને પાણી પીવડાવવા માટે કાકરાપાર ડેમના હેઠવાસના વિસ્તારમાં ગયો હતો. આ દરમિયાન અચાનક પગ લપસી જવાથી તે ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. મોડી સાંજ સુધી યુવક ઘરે ન ફરતા ચિંતાતુર બે સગા ભાઈઓ અને પિતરાઈ ભાઈ તેને શોધવા માટે નીકળ્યા હતા.

ડેમ કિનારે તેના કપડાં જોઈને ભાઈ પાણીમાં ડૂબ્યો હોવાની આશંકા જતા, તેને બચાવવાની લ્હાયમાં બાકીના ત્રણેય ભાઈઓ એક પછી એક પાણીમાં કૂદી પડ્યા હતા. પાણીનો પ્રવાહ તેજ હોવાથી અને ઊંડાઈનો અંદાજ ન આવતા, ત્રણેય ભાઈઓ એકબીજાને બચાવવાની મથામણમાં ડૂબી ગયા હતા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મૃતકોમાં બે સગા ભાઈ અને અન્ય પિતરાઈ ભાઈનો સમાવેશ થાય છે.

  • સાહિલ જિતેન્દ્ર ચૌધરી
  • કૌશિક જિતેન્દ્ર ચૌધરી
  • ગણેશ નાનસિંગ ચૌધરી
  • પ્રવીણ બાલુ ચૌધરી

કલાકો સુધી ફાયર વિભાગનું સર્ચ ઓપરેશન 

આ ઘટનાની જાણ થતાં જ માંડવી પોલીસ, સરકારી તંત્ર અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. તરવૈયાઓ દ્વારા મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી શોધખોળમાં ભારે મુશ્કેલી પડી રહી હતી. 

આજે વહેલી સવારે નગરપાલિકા અને ફાયર વિભાગના તરવૈયાઓ દ્વારા ફરીથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કલાકોની ભારે જહેમત બાદ નગરપાલિકા MGR વિભાગના ઓફિસરો અને રેસ્ક્યુ ટીમ દ્વારા ચારેય મૃતદેહોને બહાર કાઢવામાં સફળતા મળી હતી. હાલ પોલીસે ચારેય મૃતદેહોનો કબજો મેળવીને તેમને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે.