Mahashivratri 2026: મહાશિવરાત્રી નિમિત્તે શિવાલયોમાં શ્રદ્ધાનું ઘોડાપૂર, ‘હર હર મહાદેવ’ ના નાદથી ડાયમંડ સિટી ગૂંજી ઉઠ્યું

સુરત શહેરના તમામ શિવાલયોમાં મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારથી શિવભક્તો ઉમટી પડ્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 15 Feb 2026 02:02 PM (IST)Updated: Sun, 15 Feb 2026 02:02 PM (IST)
mahashivratri-celebrated-at-shiva-temples-in-surat-city-and-district
HIGHLIGHTS
  • સુરત શહેર-જિલ્લામાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી
  • તમામ શિવાલયોમાં વહેલી સવારથી શિવભક્તો ઉમટ્યા
  • “બમ બમ ભોલે” અને “હર હર મહાદેવ”ના જયઘોષ ગૂંજ્યા

Surat Mahashivratri Celebration: આજે પવિત્ર મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સમગ્ર સુરત શહેર શિવમય બન્યું છે. વહેલી સવારથી જ શહેરના નાના-મોટા તમામ શિવાલયોમાં ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. શિવાલયોમાં 'હર હર મહાદેવ' અને 'ઓમ નમઃ શિવાય' ના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે.

મહાશિવરાત્રીની ભાવભક્તિ સાથે ઉજવણી

સુરતના પૌરાણિક અને પ્રસિદ્ધ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓ લાઈનમાં ઉભા રહીને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મોડી રાત સુધી મંદિરો ભક્તોથી ઉભરાતા રહેશે. ભક્તોએ મહાદેવને પ્રિય એવા બીલીપત્ર, દૂધ અને જળનો અભિષેક કર્યો હતો.

naidunia_image

શિવાલયોમાં લઘુરુદ્ર યજ્ઞ અને મહાપૂજા

શિવાલયોમાં વિશેષ લઘુરુદ્ર યજ્ઞ, મહાપૂજા અને આરતીના આયોજન કરવામાં આવ્યા હતા. શિવલિંગ પર ફળો, સૂકો મેવો અને રંગબેરંગી ફૂલો દ્વારા આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મોડી રાત્રે યોજાનારી ચાર પ્રહરની પૂજામાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે.

પાર્દેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તો ઉમટ્યા

શિવરાત્રીના પર્વે સુરતની જનતામાં અનેરો ઉત્સાહ અને ભક્તિનો આનંદ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. સુરતના પાલ સ્થિત પાર્દેશ્વર મહાદેવ મંદિરની વાત કરીએ તો વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ દૂધ, બીલીપત્ર, જળ સહિતનો અભિષેક કરી દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરી હતી.

"મહાશિવરાત્રી નિમિત્તે મંદિરમાં લઘુરુદ્ર યજ્ઞ, બ્લડ કેમ્પ અને 1100 લીટર ઠંડાઈનું વિતરણ અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું." -- મંદિરના પૂજારી

કાંતેશ્વર મહાદેવ મંદિર ખાતે પાલખીયાત્રા

કતારગામ સ્થિત કાંતેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ભક્તો શાંતિથી દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા કરી કરવામાં આવી હતી. આ ઉપરાંત પાલખીયાત્રા કાઢવામાં આવી હતી, જે કતારગામ વિસ્તારમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ ઉપરાંત અહી ઘીના કમળ ચડાવવામાં આવ્યા હતા.