Surat News: સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી ધો.11 ની વિદ્યાર્થિની બાથરૂમમાં નહાવા ગયા બાદ બેભાન હાલતમાં મળી આવી હતી. જે બાદ પરિવારજનો દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબોએ દીકરીને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થિનીનું મોત પાછળનું કારણ પીએમ રિપોર્ટ બાદ સામે આવશે. જો કે, પ્રાથમિક તપાસમાં ગેસ ગીઝરના કારણે ગૂંગળામણથી મોત થયું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
15 વર્ષીય વિદ્યાર્થિની બેભાન મળી
મળતી માહિતી મુજબ, સુરતના કતારગામ સ્થિત ગુણાતિત નગરમાં રહેતા જીગ્નેશભાઈ વરિયા બેંકમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની 15 વર્ષની દીકરી પ્રિયમ ધો.11 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. પ્રિયમને ગણેશજીની આરતીમાં જવાનું હોવાથી તે શનિવારે સવારે બાથરૂમમાં નહાવા માટે ગઈ હતી.
તબીબોએ તેને મૃત જાહેર કરી
વિદ્યાર્થિની એક થી દોઢ કલાક બાદ પણ બાથરૂમમાંથી બહાર ન આવતા પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ કોઈ પ્રતિસાદ ન મળતા પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડીને અંદર જોતા દીકરી બેભાન અવસ્થામાં મળી આવી હતી. પરિવારજનો તાત્કાલિક દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ દીકરીને મૃત જાહેર કરી હતી.
પીએમ રિપોર્ટમાં થશે ખુલાસો
વ્હાલસોયી દીકરીના મોતને લઇને પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. બીજી તરફ તેના મોતનું કારણ જાણવા માટે પીએમ રિપોર્ટમાં જરૂરી નમૂના લેવામાં આવ્યા છે અને પીએમ રિપોર્ટ બાદ તેના મોતનું કારણ સામે આવશે. પ્રાથમિક રીતે ગેસ ગીઝરના કારણે ઓક્સિજન ઘટી જતા ગુંગળામણના કારણે તેનું મોત થયા હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આ મામલે કતારગામ પોલીસે અકસ્માત મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
