Surat News: ગુજરાતમાં જાહેર સ્થળો અને એસટી અને રેલ્વે સ્ટેશન પર જાહેરમાં ઘણા લોકો પાન મસાલા ખાઈને પિચકારી મારતા હોય છે. જેના લીધે ગંદકી ફેલાતી હોય છે, આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જરુરી છે. ત્યારે સુરત રેલ્વે સ્ટેશન પર પાન મસાલા ખાઈને થૂંકનારા લોકો સામે રેલ્વે વિભાગે કડક કાર્યવાહી શરુ કરી છે. સ્વચ્છતા પખવાડિયા હેઠળ રેલ્વે વિભાગે મેગા ડ્રાઈવ હાથ ધરી હતી .
સુરત સ્ટેશન પર રેલ્વે વિભાગની મેગા ડ્રાઈવ
સુરત રેલ્વે સ્ટેશન પર પ્રશાસને 12 કલાકનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન રેલ્વે સ્ટેશન પર ખુલ્લેઆમ પાન-મસાલા ખાઈને થૂંકતા મુસાફરો પાસેથી રુ.1.01 લાખનો દંડ વસૂલાયો હતો. સુરત રેલ્વે સ્ટેશન પર સ્વચ્છતા જળવાય અને લોકો જાહેર સ્થળો પર ગંદકી ન ફેલાવે માટે આ સઘન કાર્યવાહી કરાઈ હતી. રેલવે વિભાગે આરપીએફ અને કમર્શિયલ વિભાગ સાથે સંયુક્ત રીતે સ્ટેશનના પ્લેટફોર્મ્સ પર ચેકિંગ શરુ કર્યું હતું.
પાન મસાલો ખાઈને થૂંકતા લોકોને દંડ
રેલ્વે સ્ટેશન પર મુસાફરોની હિલચાલ પર રેલ્વે વિભાગે કડક નજર રાખી હતી. તેમજ જાહેરમાં પાન કે ગુટખા ખાઈને થૂંકનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી. રેલ્વે સ્ટેશન પર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે રેલ્વે તંત્રે કડક બન્યું હતું. રેલ પ્રશાસને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને મોટો દંડ ફટકાર્યો હતો. તેમજ રેલ્વે સ્ટેશન પર સ્વચ્છતા જળવાય અને લોકો જાગૃત્ત થાય તે માટે સ્કાઉટ્સ અને ગાઈડ્સ દ્વારા શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.
101 મુસાફરો ગંદકી કરતા ઝડપાયા
શેરી નાટક કરીને જાહેર સ્થળો પર ગંદકી ન ફેલાવવા અને લોકો સ્વચ્છતા પ્રત્યે સભાન થાય તેની સમજણ પૂરી પાડવામાં આવી હતી. તેમજ લોકો જાહેર સંપતિને ગંદી ન કરે તેમજ તેની જાળવણી કરે તેવી ખાસ અપીલ પણ કરવામાં આવી હતી. આ ખાસ કામગીરી દરમિયાન રેલ પરિસરને ગંદુ કરનારા 101 મુસાફરોને ઝડપી લેવાયા હતા,. તેમજ તેમને દંડ ફટકારાયો હતો.
