Surat: કામરેજમાં બનશે હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી શાળા, 4000 ચો.મી. જમીન પર રૂ. 6 કરોડના ખર્ચે નિર્માણ

ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ પ્રસ્તાવિત શાળાના નિર્માણ સ્થળની મુલાકાત લીધી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 22 May 2026 08:44 AM (IST)Updated: Fri, 22 May 2026 08:44 AM (IST)
kamrej-govt-high-school-and-higher-secondary-school-project-surat
HIGHLIGHTS
  • કામરેજમાં બનશે નવી અદ્યતન હાઈસ્કૂલ
  • 12મા ધોરણ સુધી મળશે મફત શિક્ષણ

Kamrej High School and Higher Secondary School: "શિક્ષણમાં કરાયેલું રોકાણ એ સમાજના ઉજ્જવળ ભવિષ્યની સૌથી મોટી મૂડી છે" તેવા સ્પષ્ટ ધ્યેય સાથે ગુજરાત સરકાર શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાને વધારવા માટે પ્રયત્નશીલ છે. આ દિશામાં રાજ્ય સરકાર દ્વારા કામરેજ તાલુકામાં નવી હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી શાળાના નિર્માણ માટે અંદાજે 4000 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે.

4000 ચોમી જમીન અને 6 કરોડનું બજેટ

સુરત જિલ્લાના કામરેજ વિધાનસભા મતવિસ્તારના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકાર દ્વારા આ મોટી ભેટ આપવામાં આવી છે. કામરેજ તાલુકામાં નવી હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી શાળાના નિર્માણ માટે અંદાજે 4000 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે. એટલું જ નહીં, આધુનિક ભવનના નિર્માણ અર્થે રૂ. 6 કરોડની રકમ પણ મંજૂર કરવામાં આવી છે.

ધોરણ-12 સુધી મળશે નિઃશુલ્ક શિક્ષણ

આ નવી હાઈસ્કૂલ શરૂ થવાથી સ્થાનિક મધ્યમવર્ગીય અને શ્રમિક પરિવારોના દીકરા-દીકરીઓને ઘરઆંગણે જ ધોરણ 12 સુધીનું નિઃશુલ્ક અને ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ બનશે. આ અદ્યતન શાળા વિદ્યાર્થીઓના જીવન ઘડતર અને કારકિર્દીના નિર્માણ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે.

"ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ આ વિસ્તારમાં તમામ અદ્યતન સુવિધાઓથી સજ્જ આ ભવ્ય શાળા આકાર લેશે." -- ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયા

MLA પ્રફુલ પાનશેરીયાએ લીધી મુલાકાત

આ ભગીરથ શૈક્ષણિક પ્રકલ્પને પગલે કામરેજ તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી વ્યાપી ગઈ છે. આ શૈક્ષણિક પ્રકલ્પને ઝડપથી વેગ આપવા માટે આરોગ્ય રાજ્યમંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ પ્રસ્તાવિત શાળાના નિર્માણ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયા સાથે ભાજપના વરિષ્ઠ આગેવાનો, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો અને અધિકારીઓ જોડાયા હતા. તેમણે આગામી સમયમાં થનારા શિક્ષણ વિકાસના આયોજન અંગે સ્થાનિક પદાધિકારીઓ સાથે વિસ્તૃત અને સકારાત્મક ચર્ચા-વિચારણા કરી જરૂરી સૂચનો આપ્યા હતા.