Surat: સુરત મહાનગરપાલિકાની (SMC) છેલ્લી સામાન્ય સભામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષોથી મુગલકાળની ઓળખ ધરાવતા અને જ્યાં સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી આવેલી છે, તે 'મુગલીસરાઈ' વિસ્તારનું નામ બદલીને હવે 'તાપીપરા' કરવામાં આવ્યું છે. આ સાથે જ પાલિકાની મુખ્ય વહીવટી કચેરીને પણ હવે 'તાપી ભવન' તરીકે નવું નામ આપવામાં આવ્યું છે.
સુરત મહાનગરપાલિકાની ટર્મ પૂરી થવા જઈ રહી છે અને આજે છેલ્લી સામાન્ય સભા મળી હતી. ચૂંટણી પૂર્વે મળેલી સુરત મહાનગરપાલિકાની છેલ્લી સામાન્ય સભામાં શાસક પક્ષ દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
સુરતની સંસ્કૃતિ અને જીવનદોરી સમાન તાપી નદી સાથે જોડવાનો નિર્ણય લેવાયો છે. સભામાં ઉપસ્થિત વિપક્ષ સહિતના કાઉન્સિલરો અને હોદ્દેદારોએ આ પ્રસ્તાવને વધાવી લીધો હતો અને સર્વાનુમતે તેને મંજૂરી આપવામાં આવી હતી.
અત્યાર સુધી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીનું સરનામું 'મુગલીસરાઈ' વિસ્તાર તરીકે લખાતું હતું. હવેથી સત્તાવાર દસ્તાવેજો અને પત્રવ્યવહારમાં આ વિસ્તાર 'તાપીપરા' તરીકે ઓળખાશે.
એટલું જ નહીં, મનપાની ભવ્ય કચેરીને હવે 'તાપી ભવન' નામ આપવામાં આવ્યું છે. આ ઐતિહાસિક નિર્ણય બાદ મનપાની કચેરી બહાર ઉજવણી કરવામાં આવી હતી. મેયર સહિતના કોર્પોરેટરોએ ઉજવણી કરી હતી.
આ અંગે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે, સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભામાં એક ઐતિહાસિક નિર્ણય લઈને સુરતીઓને ગિફ્ટ આપી છે. સુરત મહાનગર પાલિકાની વડી કચેરી સુરત મહાનગર પાલિકા સદન તરીકે ઓળખાતી હતી અને આ એરિયો મુગલીસરા નામે ઓળખાતો હતો.
આજે મનપાની મુખ્ય કચેરીનું નામ તાપી ભવન આપવામાં આવ્યું છે અને આ એરિયો આપણી સુરતની ભૌગોલિક પરંપરા છે રામપરા, ઘાસ્તીપરા તેને અનુલક્ષીને આ એરિયા આજથી તાપીપરા તરીકે ઓળખાશે, આજે સર્વાનુમતે જનરલ બોર્ડમાં આ નામાંકનનો ઠરાવ પાસ કરવામાં આવ્યો છે.
આપણી સમૃદ્ધિમાં મહત્વનો રોલ તાપી માતાનો છે તેને ઉપલક્ષમાં લઈને આજે માતાજીને ફૂલ નહી તો ફૂલની પાંખડી આપવાનું આ નામાંકન કરવામાં આવ્યું છે. મારા જીવનમાં સારામાં સારું અને દિલને તૃપ્તિ થાય એવું આજનું આ કાર્ય છે.
