Gujarat Rare Earth Magnet Manufacturing Plant: ગુજરાતમાં રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટના ઉત્પાદનને વેગ મળવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારની ₹7,280 કરોડની Rare Earth Permanent Magnet (REPM) યોજનામાં હિન્દુસ્તાન મેગ પ્રાઇવેટ લિમિટેડ અને પ્રોઝીલ ગ્રીન એનર્જી લિમિટેડનાકોન્સોર્ટિયમને 600 ટન પ્રતિ વર્ષ ઉત્પાદન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સ્થાપવા માટે પસંદ કરવામાં આવ્યું, જે સુરતની આસપાસ બને તેવી અપેક્ષા છે.
સુરત નજીક પ્લાન્ટ સ્થપાય તેવી શક્યતા
પ્રસ્તાવિત મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં સિન્ટર્ડ નિયોડિમિયમ-આયર્ન-બોરોન (NdFeB) પરમેનન્ટ મેગ્નેટનું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્લાન્ટમાં રેર અર્થ ઓક્સાઇડથી લઈને તૈયાર મેગ્નેટ સુધીની સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કંપનીએ શુક્રવારે આ અંગે માહિતી આપતા કહ્યું કે, આ પ્લાન્ટમાં 2029થી વ્યાવસાયિક ઉત્પાદન શરૂ થવાની અપેક્ષા છે.
આ પ્રોજેક્ટનો હેતુ ભારતમાં પરમેનન્ટ મેગ્નેટના સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવવાનો છે. ઈલેક્ટ્રિક વાહનો, વિન્ડ ટર્બાઈન અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં મેગ્નેટનો ઉપયોગ મહત્વપૂર્ણ ઘટક તરીકે થાય છે. આ પ્લાન્ટ સુરતની બહારના વિસ્તારમાં સ્થાપિત થઈ શકે છે.
₹7,280 કરોડની REPM યોજના હેઠળ પસંદ
પ્રોઝીલ ગ્રીન એનર્જીની આગેવાની હેઠળના કોન્સોર્ટિયમની પસંદગી વૈશ્વિક ટેન્ડર પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે, ટેન્ડરમાં કુલ 20 બિડ મળી હતી. કેન્દ્ર સરકારની ₹7,280 કરોડની REPM યોજના હેઠળ પસંદ થયેલો આ પ્રોજેક્ટ ભારતમાં રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટનાઉત્પાદનની ક્ષમતા વિકસાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ભારતમાં રેર અર્થ ઓક્સાઈડનો મોટો ભંડાર
ભારતમાં મોનાઝાઈટના ભંડારમાં અંદાજે 7.23 મિલિયન ટન રેર અર્થ ઓક્સાઈડના સંસાધનો ઉપલબ્ધ છે. આ ઉપરાંત દેશમાં રેર અર્થના વિભાજન અને રિફાઈનિંગની ક્ષમતા પણ છે. જોકે, વ્યાવસાયિક સ્તરે રેર અર્થ એલોય અને સિન્ટર્ડ પરમેનન્ટ મેગ્નેટનું ઉત્પાદન હજુ પણ દેશની સ્થાનિક સપ્લાય ચેઈનમાં મોટો પડકાર છે.
સુરત નજીક સ્થાપિત થનારો આ પ્લાન્ટ NdFeB મેગ્નેટના સ્થાનિક ઉત્પાદનની ક્ષમતા ઊભી કરીને આ ખામીને દૂર કરવામાં મદદરૂપ થશે. તેનાથી આયાત પરની નિર્ભરતા ઘટશે અને સપ્લાય ચેઇન વધુ મજબૂત બનશે.
ક્યા ઉપયોગ થાય છે NdFeB પરમેનન્ટ મેગ્નેટ?
NdFeB પરમેનન્ટ મેગ્નેટનો ઉપયોગ વિવિધ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં થાય છે. તેમાં મુખ્યત્વે ઇલેક્ટ્રિક વાહનોની મોટર, વિન્ડ ટર્બાઇન, ઔદ્યોગિક ઓટોમેશન અને ડિફેન્સ ઈલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે.
આ મેગ્નેટનું સ્થાનિક સ્તરે ઉત્પાદન શરૂ થવાથી આ ક્ષેત્રો માટે જરૂરી મહત્વપૂર્ણ ઘટકોનો પુરવઠો દેશમાં જ ઉપલબ્ધ થઈ શકશે. વૈશ્વિક સપ્લાય ચેઇનમાં અનિશ્ચિતતા વચ્ચે આ પ્રોજેક્ટ ભારતની ઉત્પાદન ક્ષમતા અને સપ્લાય ચેઇનની સ્થિરતા વધારવામાં મદદ કરશે.
કંપનીના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટને પણ ફાયદો
આ પ્લાન્ટ પ્રોઝીલ ગ્રીન એનર્જીના રિન્યુએબલ એનર્જી બિઝનેસને પણ ટેકો આપશે. ખાસ કરીને કંપનીના વિન્ડ એનર્જી અને મોટા પાયાના યુટિલિટી-સ્કેલ પ્રોજેક્ટ માટે જરૂરી ઘટકોનો વધુ વિશ્વસનીય સ્થાનિક પુરવઠો સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.
આ ઉપરાંત, સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા મહત્વપૂર્ણ ઘટકોનું સ્થાનિક ઉત્પાદન વધવાથી ભારતની ઊર્જા સુરક્ષાને પણ મજબૂતી મળી શકે છે.
કંપનીના સ્થાપકોએ શું કહ્યું?
હિન્દુસ્તાન મેગના સહ-સ્થાપક જૈત્ર પટેલે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ રેર અર્થ મેગ્નેટ ક્ષેત્રમાં સ્વદેશી ઉત્પાદન ક્ષમતા અને ટેક્નોલોજી વિકસાવવામાં મદદરૂપ થશે. જ્યારે પ્રોઝીલ ગ્રીન એનર્જીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર શોભિત રાયે જણાવ્યું હતું કે મહત્વપૂર્ણ ઘટકોનું સ્થાનિક ઉત્પાદન ભારતના ક્લીન એનર્જી ઈકોસિસ્ટમને મજબૂત બનાવશે અને દેશની ઊર્જા સુરક્ષામાં વધારો કરશે.
