Surat Lok Sabha Seat: સુરત દેશની પ્રથમ બિનહરીફ બેઠક, બસપાના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 22 Apr 2024 02:21 PM (IST)Updated: Mon, 22 Apr 2024 06:11 PM (IST)
gujarat-lok-sabha-election-2024-bjp-candidate-declared-unopposed-leaving-only-one-candidate-surat-lok-sabha-seat-picture-to-be-clear-by-afternoon

Surat Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં સુરત બેઠક પર છેલ્લા બે-ત્રણ દિવસથી હાઇ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઇને ભાજપ દ્વારા વાંધા અરજી કરવામાં આવી હતી. જેની ગઇકાલે રવિવારના રોજ સુનાવણી હાથ ધરાઈ હતી અને કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ અમાન્ય ઠેરવી રદ કરવામાં આવ્યું હતું. આજે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન સુરત બેઠક પર બસપાના ઉમેદવાર પ્યારેલાલે ફોર્મ પરત ખેંચી લેતા આ બેઠક પર ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. જોકે સત્તાવાર જાહેરાત 3 વાગ્યાની આસપાસ કરવામાં આવશે.

સુરત બેઠક બિનહરીફ થઇ
આજે 22 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ કુલ 9 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી અપક્ષ સહિત 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યા છે. હવે માત્ર એક ઉમેદવાર બાકી હતા. આ બસપાના ઉમેદવાર પ્યારેલાલ સુરત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી લીધું છે. ભાજપના ઉમેદવાર સામે એકપણ પ્રતિસ્પર્ધી ઉમેદવાર નહીં હોય અને તેવી સ્થિતિમાં ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથેજ લોકસભા ચૂંટણી 2024માં સુરત દેશની પ્રથમ બિનહરીફ બેઠક બની છે.

બસપાના ઉમેદવારે માગ્યું હતું પોલીસ પ્રોટેક્ટશન
આજે દિવસ દરમિયાન ચાલેલા હાઇ વોલ્ટેજ ડ્રામામાં બસપાના ઉમેદવાર પ્યારેલાલને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તેવી માગ બહુજન સમાજ પાર્ટીના સુરત જિલ્લા પ્રમુખ સુતિષ સોનવણે દ્વારા જિલ્લા કલેક્ટર અને ચૂટણી અધિકારીને અરજી કરી હતી કે પ્યારેલાલ ભારતીને પૈસાની લાલચ આપવામાં આવી રહી છે અને સતત ફોન કરવામાં આવી રહ્યા હોય તેમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે.

શું હતો કોંગ્રેસના ઉમેદવારનો વિવાદ
ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ અંગે વાંધા અરજી કરી હતી. જેના પગલે સમગ્ર મામલે હાઇ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.કોંગ્રેસના ઉમેદવારના ફોર્મમાં દરખાસ્ત તરીકે સહી કરનારા જગદીશ સાવલીયા, રમેશ પોલરા અને ધ્રુવિન ધામેલિયા ચૂંટણી અધિકારી સમક્ષ હાજર રહ્યાં હતા અને ફોર્મમાં પોતાની સહી નહીં હોવાનું જણાવ્યું હતું અને એફિડેવિટ પણ કરી હતી. આ મામલે રવિવારે ચૂંટણી અધિકારી દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને તેમનું ફોર્મ રદ કર્યું હતું.