Gujarat Local Body Election 2026: ગુજરાતમાં પાંચ દિવસ બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી છે. 26 એપ્રિલના રોજ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાઓ માટે મતદાન કરવામાં આવશે. ભાજપ દ્વારા ચાય પે ચર્ચાના માધ્યમથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. સુરતમાં આવા જ એક કાર્યક્રમ દરમિયાન નવસારીના સાંસદ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલે આમ આદમી પાર્ટીને ખૂલ્લો પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે સુરતમાં આપ પાર્ટી ગઇ વખત જીતેલી 27 બેઠક જાળવી બતાવે.
ચાય પે ચર્ચા લોકો અને કાર્યકર્તાઓને સાથે જોડવાનું માધ્યમ
નવસારીના સાંસદ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ 'ચાય પે ચર્ચા' આજે પણ એટલી જ પ્રાસંગિક અને મહત્વપૂર્ણ છે. આ કાર્યક્રમ માત્ર ચા પીવા માટે નથી, પરંતુ લોકો અને કાર્યકર્તાઓને માનસિક અને આધ્યાત્મિક રીતે એકબીજા સાથે જોડવાનું સબળ માધ્યમ છે. પક્ષની વિચારધારા પર ચર્ચા કરી, પ્રશ્નોના નિરાકરણ લાવીને એકમત થઈ આગળ વધવા માટે આ એક ખૂબ જ મજબૂત મંચ બની ગયો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ-આપને ઉમેદવાર મળતા નથી
પાટીલે વધુમાં કહ્યું હતું કે, રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આશરે 10 હજાર જેટલી બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પુરતા ઉમેદવારો પણ મળ્યા નથી. વડાપ્રધાન મોદી પ્રત્યે લોકોનો અપાર પ્રેમ, અમિત શાહનું માર્ગદર્શન અને ભાજપના કાર્યકર્તાઓની મહેનત જોઈને વિપક્ષના અનેક ઉમેદવારોએ હથિયાર હેઠાં મૂકીને મેદાન છોડી દીધું છે.
સુરતમાં આપ 27 બેઠક જાળવી બતાવેઃ પાટીલ
ગઈ ચૂંટણીના પરિણામોને યાદ કરતા તેમણે કહ્યું કે, મોટા દાવાઓ કરવા છતાં આઠ મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસને આખા રાજ્યમાં માત્ર ૫૫ બેઠકો મળી હતી. જ્યારે આમ આદમી પાર્ટીને માત્ર સુરત શહેરમાં ૨૭ બેઠકો મળી હતી. તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓને પડકાર ફેંક્યો હતો કે જો તેમનામાં તાકાત હોય તો આ વખતે સુરતમાં એ ૨૭ બેઠકો જાળવીને બતાવે. તેમણે ઉમેર્યું કે જે લોકોએ સુરતમાં તેમને મત આપ્યા હતા, તે મતદાતાઓ આજે પસ્તાવો કરી રહ્યા છે.
સુરત અગાઉથી જ કોંગ્રેસ મુક્ત બની ચૂક્યું છે
તેમણે વધુમાં જણાવ્યું કે, બીજી તરફ, કોંગ્રેસ માટે સુરત અગાઉથી જ 'કોંગ્રેસ મુક્ત' બની ચૂક્યું છે અને આ વખતે પણ કોંગ્રેસ પોતાનું ખાતું ખોલાવી શકે તેવી કોઈ શક્યતા નથી. અગાઉ ગુજરાતના મતદાતાઓએ ઐતિહાસિક વિશ્વાસ મૂકીને 31માંથી 31 જિલ્લા પંચાયતો ભાજપને જંગી સરસાઈથી જીતાડી હતી. આ ઉપરાંત 232 તાલુકા પંચાયતોમાંથી 196 અને 91 નગરપાલિકાઓમાંથી 89 નગરપાલિકાઓ પર ભાજપે ભગવો લહેરાવ્યો હતો.
કોંગ્રેસના સમયની ટીકા કરતા તેમણે જણાવ્યું કે, પહેલા રસ્તા, લાઈટ, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ માટે લોકોએ યાચનાઓ અને આંદોલનો કરવા પડતા હતા. પરંતુ આજે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાતના એક-એક ગામ સુધી વિકાસ પહોંચ્યો છે અને હવે ગુજરાતમાં કોઈ આંદોલનો જોવા મળતા નથી જે લોકોનો સંતોષ દર્શાવે છે.
મનદુઃખ ભુલી ભાજપના ઉમેદવારોને જીતાડો
અંતમાં, તેમણે ગુજરાતની જનતાને દેશના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ વધુ મજબૂત કરવા માટે સમયસર અને પ્રામાણિકતાથી મતદાન કરવાની અપીલ કરી હતી. સાથે જ, પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું કે પક્ષ તરફથી ટિકિટ મળી હોય કે ન મળી હોય, કોઈપણ પ્રકારના ભેદભાવ કે મનદુઃખ વિના એકજૂથ થઈને ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે પૂરી તાકાત લગાવી દે. પક્ષ સૌને ભવિષ્યમાં યોગ્ય તક આપશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
