Surat News: થોડા સમય પહેલા 'વાઈફ સ્વેપિંગ'નો મુદ્દો ગુજરાતભરમાં ગાજ્યો હતો. હવે નવરાત્રિનો પાવન તહેવાર આવી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક મેસેજ કે જાહેરાત ખૂબ જ વાયરલ થઈ રહી છે, આ જાહેરાતમાં ગરબા પાર્ટનર ભાડે મેળવવા અંગે છે. વાયરલ પોસ્ટમાં અલગ અલગ સુવિધા સાથે ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ કેટગરીના રૂ. 1,000 થી 2,000ના આકર્ષક પેકેજના દાવા પણ કરાઈ રહ્યા છે.
પોસ્ટમાં ગરબા પાર્ટનર ભાડે આપવાનો ઉલ્લેખ
પોસ્ટમાં રૂ. 1,000 થી 2,000 અને 5 હજાર સુધીના આકર્ષક પેકેજના દાવા પણ કરાઈ રહ્યા છે. અમદાવાદ, સુરત, સહીતના શહેરોમાં આ રીતે ગરબા પાર્ટનરની ભાડે આપવાની જાહેરાતો વાયરલ થઇ રહી છે. બીજી તરફ આવી જાહેરાતોને લઈને હિંદુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે અને સાયબર પોલીસ આવી જાહેરાત મુકનારા લોકોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ પણ કરી છે.
ઝેન-ઝી જનરેશન માટે ખૂબ જ ગંભીર બાબત
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના પ્રભારી ડો. પૂર્વેશ ઢાકેચાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં એક ગંભીર મેસેજ વાયરલ થઇ રહ્યો છે, જાહેરાત પણ થઇ રહી છે કે, ગરબા રમવા માટે પાર્ટનર ભાડે મળશે. પાર્ટનર સ્વેપિંગ, નશા માટે એક બીજાની અદલા-બદલી કરવી અને ગરબામાં અજાણ્યા વ્યક્તિને ભાડે આપવા. તેમજ દીકરા-દીકરીઓને કોઈ અજાણી વ્યક્તિ પૈસા આપીને પાર્ટનર બનાવે તે દેશ, સમાજ અને આજની જનરેશન માટે ગંભીર બાબત છે.
આવા કૃત્યો સામે કડક પગલાં લેવાની માંગ
આગળ તેઓએ જણાવ્યું કે, ગુજરાત સરકારનો સાયબર ક્રાઇમ વિભાગ ખૂબ જ સક્રિય છે. તેમજ તે સારુ કામ કરી રહી છે, ત્યારે અમારી સરકાર પાસેથી માંગ છે કે, સરકાર આના પર કડક પગલાં લે. મેટાના માધ્યમોથી જ્યાં આવી જાહેરાતો થાય છે. તેની સામે કડક પગલાં લેવામાં આવે.
