Surat Ganesh Visarjan 2025: આજે અનંત ચતુર્દશી છે અને 10 દિવસ વિઘ્નહર્તા ની પૂજા ભક્તિ બાદ આજે ભારે હૈયે ભક્તો બાપ્પાને વિદાય આપી રહ્યા છે. સુરત શહેરમાં સવારથી જ વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ ગયી છે. ગણપતિ બાપા મોર્યા અને અગલે બરસ તુ જલ્દી આ ના નાદ સાથે શહેર ગુંજી ઉઠ્યું છે.
રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી બાદ આજે ગણેશ વિસર્જનનો દિવસ છે. સુરત શહેરમાં 21 કુત્રિમ તળાવ અને 3 ઓવારા પર વિસર્જન પ્રક્રિયા ચાલી રહી છે. અલગ અલગ વિસ્તારમાંથી વિસર્જન યાત્રા નીકળવાની શરૂઆત થઈ ગયી છે. બીજી તરફ શહેરમાં પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પ્રક્રિયા ચાલી રહી છે. ભક્તો ઢોલ નગારા સાથે બાપા ની પ્રતિમાને વિસર્જન માટે લઈ જઈ રહ્યા છે. મોટી મૂર્તિઓને હજીરા મગદલ્લા અને ડુમ્મસ દરિયા કાંઠે વિસર્જન કરવામાં આવી રહ્યું છે.
શહેરમાં મનપા દ્વારા જે કુત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે ત્યાં પણ પોલીસ અને મનપાના અધિકારીઓ ખડેપગે છે. સુરત પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોત તેમજ જળ શક્તિ મંત્રી સીઆર પાટીલએ ભાગળ વિસ્તારની મુલાકાત લીધી હતી જયારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાલ સ્થિત કુત્રિમ તળાવની મુલાકાત લીધી હતી.
સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારથી ભગવાન શ્રીજીની વિસર્જન યાત્રા શરુઆત થઇ ગયી છે. શહેરમાં ૨૦ જેટલા કુત્રિમ તળાવ અને ૩ ઓવારા પરથી વિસર્જન પ્રક્રિયા ચાલી રહી છે. ૨ હજાર જેટલી મૂર્તિઓનું અત્યાર સુધી વિસર્જન થઇ ગયું છે. શહેરના માર્ગો પર ખુબ મોટી સંખ્યામાં નાના બાળકો સહીત ભક્તો વિસર્જન માટે જઈ રહ્યા છે. સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલે તે માટે ડ્રોન અને સીસીટીવી અને બોડી વોર્ન કેમેરાથી નિગરાની કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ૧૨ હજારથી વધુ પોલીસ જવાનો ભક્તોની મદદ માટે ખડેપગે હાજર છે. બધાને અપીલ છે કે વરસાદની આગાહી હોય જેમ બને તેમ વહેલી તકે વિસર્જન પ્રક્રિયા માટે લોકો નીકળે.