Surat News: સુરત શહેરમાં આજે દશેરા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. નવરાત્રીના ઉત્સાહ બાદ આજે વિજયાદશમીનો પર્વ છે. ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી જ ફરસાણની દુકાન પર ફાફડા જલેબી ખરીદવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. ફરસાણની દુકાનો પર ગ્રાહક માટે લાઈનમાં ઉભા રહેવાની વ્યવસ્થા કરાઈ હતી અને ગરમી ન લાગે તે માટે મંડપ બાંધવામાં આવ્યા હતા તેમજ છાસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
અસત્ય પર સત્યની જીતનો પર્વ એટલે વિજયા દશમી. સુરત શહેરમાં વિજયા દશમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દશેરાના દિવસે સુરતીઓ એક અંદાજ મુજબ કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જશે, આજે વિજયા દશમીનો તહેવાર હોય વહેલી સવારથી જ ફરસાણની દુકાનો પર લોકોની ભીડ જોવા મળી હતી. અનેક દુકાનો પર તો ગ્રાહકોએ એક દિવસ અગાઉથી જ કિલોના હિસાબે એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું.
આ પણ વાંચો
ગ્રાહકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને દુકાનદારોએ પણ વિશેષ તૈયારીઓ કરી હતી. ગ્રાહકો લાઈનમાં ઉભા હોય અને તડકો ના લાગે તે માટે મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલીક જગ્યાએ તો ગ્રાહકો માટે ઠંડી છાસનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સુરતીઓ ફાફડા સાથે પપૈયાનો સંભારો, મોળા મરચાં અને કઢીનો સ્વાદ માણી રહ્યા છે. આખા દિવસ દરમિયાન આ ધમધમાટ ચાલુ રહેવાનો અંદાજ છે.
દુકાનદાર અભિષેકભાઈ પુજારાએ જણાવ્યું હતું કે આ વર્ષે ભાવમાં કોઈ ફેરફાર નથી, ગયા વર્ષે જે 500 રૂપિયા કિલો હતો એ જ ભાવ છે, ગ્રાહકો સવારના ૪ વાગ્યાથી લાઈનમાં ઉભા છે, અમે એક દિવસ અગાઉથી જ તમામ તૈયારી કરી લીધી હતી, પાર્સલ લેવા વાળા લોકો માટે એક કાઉન્ટર જ અલગ છે, અમને 100 કિલોથી વધુના એડવાન્સ ઓર્ડેર મળ્યા હતા.
