Surat News:રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે, શનિવારના રોજ બપોરે ૧૨:૩૦ વાગ્યાથી સુરત સર્કિટ હાઉસ ખાતે સુરતના નાગરિકો સાથે એક વિશેષ જનસંપર્ક કાર્યક્રમ યોજશે. પ્રશાસનને લોકોની નજીક લાવવા અને નાગરિકોના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવાના સંકલ્પ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
આ જનસંપર્ક કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી સુરતના વિવિધ વિસ્તારોમાંથી આવતા નાગરિકો અને અરજદારોને રૂબરૂ મળીને તેમની સમસ્યાઓ તથા રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળશે. જેમાં સામાન્ય રીતે નાગરિકો સ્થાનિક પ્રશાસન સંબંધિત મુદ્દાઓ, વિકાસલક્ષી કાર્યો, કાયદો અને વ્યવસ્થા તેમજ વ્યક્તિગત મુશ્કેલીઓ સહિતની વિવિધ બાબતો અંગે પોતાની રજૂઆત કરતા હોય છે.
સમસ્યાઓના સુખદ અને ત્વરિત નિરાકરણ માટે સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ તથા આદેશો આપવામાં આવે છે, જેથી સામાન્ય નાગરિકોને સરકારી કચેરીઓ સુધી ધક્કા ખાવા ન પડે અને ત્વરિત ન્યાય મળી રહે.
સુરત શહેર તથા જિલ્લાના જે નાગરિકો પોતાની સમસ્યાઓ કે વિકાસલક્ષી સૂચનો રજૂ કરવા માંગતા હોય, તેઓ આવતીકાલે શનિવારે બપોરે ૧૨:૩૦ વાગ્યાથી સુરત સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત રહી શકે છે.
