Surat:સુરતના અશ્વિની કુમાર રોડ પર ત્રણ પાનના વડ પાસે આવેલા સરસ્વતી એપાટમેન્ટમાં ચોથા માળે સ્લેબ પડવાની ઘટના બની હતી. આ દરમ્યાન ઘરમાં હાજર ૧૯ વર્ષીય યુવક કાટમાળમાં દબાઈ ગયો હતો જેને ફાયર વિભાગની ટીમે બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો
સુરતના અશ્વની કુમાર રોડ ત્રણ પાનના વડ પાસે સરસ્વતી એપાટમેન્ટ આવેલું છે આજે એપાર્ટમેન્ટના ચોથા માળના ફ્લેટનો સ્લેબ પડીને ત્રીજા માળે પડ્યો હતો દરમ્યાન ત્રીજા માળે રૂમમાં હાજર એક ૧૯ વર્ષીય યુવક કાટમાળમાં દબાઈ ગયો હતો. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને સાંજે ૬ વાગ્યે કરવામાં આવી હતી જે બાદ ફાયર વિભાગની અશ્વિની કુમાર, કાપોદ્રા, કોસાડ, મોટા વરાછા, કતારગામથી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોચી હતી.
ફાયર વિભાગની ટીમે કાટમાળમાં દબાયેલા યુવકને બહાર કાઢ્યો હતો અને ૧૦૮ની મદદથી સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે ત્યાં ફરજ પર હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવકની ઓળખ 19 વર્ષીય આલોક શિવરતન તરીકે થઈ છે. ઘટના બની તે સમયે આલોક પોતાના રૂમમાં હાજર હતો, ત્યારે અચાનક ચોથા માળનો સ્લેબ અને ફ્લોરિંગ ધડાકાભેર નીચે તૂટી પડ્યા હતા. આલોક કાટમાળ નીચે દબાઈ જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. દીકરાના મોતને લઈને પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે.
બીજી તરફ દુર્ઘટનાની જાણ થતાં જ સુરતના સાંસદ મુકેશ દલાલ તેમજ સ્થાનિક કોર્પોરેટરો અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી તંત્ર દ્વારા બાકી રહેતા પરિવારો પાસેથી તાત્કાલિક ફ્લેટ ખાલી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી વધુ કોઈ મોટી હોનારત ન સર્જાય. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં મળતી માહિતી મુજબ, આ એપાર્ટમેન્ટ અંદાજે 30 વર્ષ કરતાં પણ વધુ જૂનું છે એપાર્ટમેન્ટમાં કુલ 16 ફ્લેટ આવેલા છે, અને બિલ્ડીંગ જર્જરિત હોવાથી અગાઉ મનપાએ નોટીસ પણ આપી હતી, નોટિસ બાદ 8 પરિવારો સ્થળાંતર કરી અન્ય જગ્યાએ રહેવા ચાલ્યા ગયા હતા. જ્યારે આલોકના પરિવાર સહિત બાકીના 8 પરિવારો હજુ પણ અહીં જોખમી સ્થિતિ વચ્ચે વસવાટ કરી રહ્યા હતા.
