BJP Surat Loktantra Bachavo Padyatra: ભાજપ દ્વારા સમગ્ર દેશમાં 'લોકતંત્ર બચાવો, અરાજક્તા હટાવો'ના બેનર હેઠળ પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે સુરતમાં પણ સાંજે 4 કલાકે અડાજણના પ્રાઈમ માર્કેટથી પદયાત્રા શરૂ થશે. જે પ્રેસિડેન્સી સર્કલ, માછલી સર્કલ થઈ વરુણ હોસ્પિટલ થઈને ભૂલકા ભવન શાળા પાસે પૂર્ણ થશે. આ તકે ભાજપના પ્રદેશ મહામંત્રીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યાં હતા.
મોદી સરકારને અસ્થિર કરવા અને અરાજક્તા ફેલાવવા ષડયંત્ર ચાલી રહ્યું છે
ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે જણાવ્યું કે, છેલ્લા ઘણાં સમયથી વિપક્ષ દ્વારા એક આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. દેશમાં PM મોદીના નેતૃત્વ હેઠળની ભાજપની સરકારને અસ્થિર કરવા અને અરાજક્તા ફેલાવવા માટે ષડયંત્ર ચાલી રહ્યું છે.
જે પ્રમાણે PM મોદીની દેશ અને દુનિયામાં લોકચાહના વધી રહી છે. છેવાડાના લોકોને સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે અને એક પછી એક રાજ્યોમાં ભાજપની સરકારો બની રહી છે અને વિપક્ષને લોકો જાકારો આપી રહ્યા છે. જેના પગલે સત્તા મેળવવા માટે વિપક્ષ દ્વારા SIRમાં ગરબડી, ચૂંટણી પંચ પર અને ન્યાયતંત્ર પર અવિશ્વાસ મૂકીને આંદોલન ચલાવીને મોદી સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે. જેની સામે ભાજપ દ્વારા લોકતંત્ર બચાવો, અરાજક્તા હટાવોના બેનર હેઠળ પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ખાસ કરીને વિપક્ષ નેતા રાહુલ ગાંધી દરરોજ જૂઠ્ઠુ બોલીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. જે રીતે પાણી વિના માછલી તરફડિયા મારે છે, તેમ રાહુલ ગાંધી સત્તા મેળવવા તડપી રહ્યા છે અને યુવાનોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને દેશમાં અરાજક્ટા ફેલાવવાનું કામ કરે છે. જેના વિરોધમાં ભાજપ દ્વારા સુરત,રાજકોટ, અમદાવાદ,અને વડોદરામાં પણ પદયાત્રાનું આયોજન કરવામાં આવશે. આ યાત્રાના શ્રીગણેશ સુરત શહેરથી કરવા માં આવશે.
વધુમાં કોંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલાનાનું ઉદાહરણ ટાંકતા જણાવ્યું કે, થોડા દિવસ પૂર્વે તેઓ રાજકોટ આવ્યા ત્યારે કહ્યું હતું કે, રાજકોટમાં માત્ર 48 કલાક ચાલે તેટલું જ પાણી છે. તેમને ખબર નથી કે, ગુજરાતની પ્રજાહિતની સરકાર દ્વારા સૌની યોજના હેઠળ બીજા ડેમમાંથી રાજકોટના આજી ડેમ માં પાણી ઠલવાય તેની વ્યવસ્થા કરવામાં આવે છે
આ પદયાત્રા માં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, ભાજપના શહેર અધ્યક્ષ પરેશ પટેલ, સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટર સહિતના અગ્રણીઓ સાધુ સંતો અને હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ મળી 25 હજારથી વધુ લોકો આ પદયાત્રામાં જોડાશે
