રાજકોટમાં પરપ્રાંતિય સગીરા પર ગેંગરેપની ઘટના, સગાઈના બહાને બાઈક પર અપહરણ કરી બે નરાધમોએ વારાફરતી દુષ્કર્મ આચર્યું

આટકોટ પંથકમાં પોતાના કાકા સાથે રહેતી સગીરાને બાજુના ગામમાં રહેતો યુવક સગાઈના બહાને બાઈક પર અવાવરું સ્થળે લઈ ગયો હતો. જ્યાં યુવક અને તેના મિત્રએ વારાફરતી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 24 Oct 2026 10:55 PM (IST)Updated: Sat, 24 Oct 2026 10:55 PM (IST)
rajkot-crime-news-minor-girl-gang-raped-after-being-abducted-under-pretext-of-engagement

Rajkot: રાજકોટ જિલ્લાના આટકોટ પંથકમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારની સગીરાનું અપહરણ કરીને બે ઈસમો દ્વારા વારાફરતી દુષ્કર્મ આચરીને તરછોડી દેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ મધ્ય પ્રદેશનો પરિવાર આટકોટ પંથકના એક ગામડામાં રહીને વાડીમાં ખેત મજૂરી કરે છે. જ્યારે વતનમાં રહેતા તેમના ભાઈની 17 વર્ષીય દીકરી અહીં તેમના સાથે રહીને પરિવારને કામકાજમાં મદદ કરતી હતી. સગીર ભત્રીજી જસદણ પંથકમાં રહેતા મનસુખ નાનકા ભુરીયા (20) નામના યુવકના સંપર્કમાં હતી. મનસુખે સગીરાને સગાઈ કરવાની લાલચ આપીને ફસાવી હતી.

ગત 21 ઓક્ટોબરની રાતે પરિવારના સભ્યો જમીને સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે જાગ્યા ત્યારે સગીરા ગુમ થઈ ગઈ હતી. જેથી પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન સગીરા વાહનો બદલીને પોતાના ઘરે પરત ફરી હતી. જ્યાં કાકાએ પૂછતા સગીરાએ આખી રાત પોતાની સાથે થયેલી આપવીતી વર્ણવી હતી.

સગીરાના જણાવ્યા મુજબ, રાતે બધા સૂઈ ગયા ત્યારે મનસુખ નાનકા અને તેનો મિત્ર રાકેશ દેવકા બાઈક લઈને આવ્યા હતા. જે બાદ આપણે સગાઈ કરવાની છે, તું અત્યારે જ મારી સાથે આવ કહીને મને બળજબરીથી બાઈક પર બેસાડીને બન્ને જણા બાબરા પંથક તરફ અવાવરું સ્થળે લઈ ગયા હતા. જ્યાં મનસુખ અને રાકેશે વારાફરતી દુષ્કર્મ આચરીને નાસી છૂટ્યા હતા.

આખરે સગીરાના કાકાની ફરિયાદના આધારે આટકોટ પોલીસે મનસુખ કારીયા અને રાકેશ દેવકા વિરુદ્ધ બીએનએસની કલમ 70(2), પોક્સો એક્ટ અને અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરીને આરોપીઓની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.