Gujarat DA Hike Pensioners: ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા પાંચમા પગાર પંચ હેઠળ પેન્શન મેળવતા નિવૃત સરકારી કર્મચારીઓ અને ફેમિલી પેન્શનર્સ માટે અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આવા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં હંગામી વધારો 131 ટકા વધારીને 381થી સીધો 443 સુધી પહોંચાડવામાં આવ્યો છે, જેના પરિણામે પેન્શનરોને મોટો આર્થિક ફાયદો થશે
નાણાં વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવ અનુસાર, ઓક્ટોબર 2024થી આ કેટેગરી હેઠળ આવતા પેન્શનરોને 381 ટકા લેખે મોંઘવારી ભથ્થામાં વધારો આપવામાં આવતો હતો. અગાઉ જુલાઈ 2022થી જાન્યુઆરી 2024ના સમયગાળા માટે હંગામી વધારો 381 ટકાથી વધારીને 443 ટકા કરવા તેમજ જુલાઈ-2021થી 131 ટકા જેટલી એરિયર્સની તફાવતની રકમ ચૂકવવાની બાબત વિચારણા હેઠળ હતી.
આખરે સરકાર દ્વારા તબક્કાવાર નવા દરો અને એરિયર્સ ચૂકવવાનો આદેશ જારી કર્યો છે, જેનો 15 હજાર જેટલા કર્મચારીઓને લાભ મળશે.
જો કોઈ પેન્શનરના મૂળ પેન્શનની રકમ 10 હજાર રૂપિયા હોય, 381 ટકાના દરે મોંઘવારી ભથ્થુ 38100 અને 442 ટકાના દરે 44,300 થાય છે. આ ગણતરી પ્રમાણે જોઈએ તો, બન્ને દર વચ્ચે મહિને 6200 રૂપિયાનો તફાવત થાય છે.
આ સાથે જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, વિવિધ બોર્ડ, નિગમો કે નગરપાલિકાઓ પોતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ઠરાવનો લાભ આપવા અંગે સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. આ માટે સરકાર તરફથી કોઈ વધારાની ગ્રાન્ટ નહીં આપવામાં આવે.
