West Bengal Election Results: પશ્ચિમ બંગાળની 'ઝાલમુરી' હવે માત્ર નાસ્તો જ નથી રહી, પરંતુ રાજકીય ઓળખ બની ચૂકી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આજે જાહેર થઈ રહેલા પરિણામોમાં ભાજપનો પ્રચંડ વિજય સ્પષ્ટ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપના કાર્યાલયમાં જીતની અનોખી ઉજવણી જોવા મળી રહી છે. રાજકોટ અને સુરતમાં ભાજપના કાર્યકર્તાઓએ એકબીજાને ઝાલમુરી ખવડાવીને પાર્ટીના વિજયને વધાવ્યો હતો.
સુરતના બજારોમાં બંગાળની મીઠાઈઓ ખૂટી પડી
પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની ઉજવણી સુરતમાં પણ કરવામાં આવી હતી. જેમાં ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ ઉમટી પડ્યા હતા અને ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી. આટલું જ નહીં, ભાજપના કાર્યકર્તાઓ દ્વારા બંગાળની પ્રખ્યાત ઝાલમુરી બનાવીને એકબીજાને ખવડાવીને પાર્ટીની જીતને વધાવી હતી.
આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું કે, આજે અમે માર્કેટમાં જ્યાં તપાસ કરી ત્યાં બંગાળી સ્વીટો ઘટવા માંડી છે. સુરત શહેરની અંદર લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.
PM નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે પ્રકારે બંગાળની અંદર કલકત્તા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની અંદર છેલ્લા 15 વર્ષથી જે પ્રકારનો આતંક તૃણમૂલ કોંગ્રેસ કરી રહી હતી, તેનો આજે સફાયો થયો છે. હવે ત્યાં પણ એક નવા રાજ્યની શરુઆત થશે એક સંસ્કૃતિની શરુઆત થશે એક વિકાસની શરુઆત થશે.
ગત 19 અને 26 તારીખે બે ટ્રેનો સુરતથી મોકલવામાં આવી હતી. બંગાળના જે કાર્યકતા સુરત રહેતા હતા અને તેઓનું વોટીંગ ત્યાં હતું તે દરેકને સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીએ વોટ માટે ત્યાં પહોચાડ્યા હતા. આજે અમને એ વાતનો આનંદ છે કે, આ દરેક વોટ યોગ્ય જગ્યાએ પહોચ્યો છે. બંગાળની આ જીતને લાખો કાર્યકર્તાઓ પુરા ભારત વર્ષની અંદર ઉજવી રહ્યા છે.
રાજકોટમાં ભાજપ કાર્યકર્તાઓએ એકબીજાને ઝાલમુરી ખાઈને મોં મીઠું કરાવ્યું
સામાન્ય રીતે મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ બંગાળની જીત હોવાથી રાજકોટમાં કાર્યકરોએ પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી ‘ઝાલમુરી’ ખાઈને અને લોકોમાં વહેંચીને વિજયોત્સવ મનાવ્યો હતો. કાર્યકરોએ એકબીજાને ઝાલમુરી ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું અને બંગાળમાં કેસરિયો લહેરાવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા અને ‘ભારત માતા કી જય’ ના નારા લગાવ્યા હતા. વિજયના આ માહોલમાં ઝાલમુરીનું વિતરણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રાજકોટમાં પશ્ચિમ બંગાળ જેવો માહોલ સર્જીને કાર્યકરોએ આ જીતને ઐતિહાસિક ગણાવી હતી.
