Surat Floods: પૂરના પાણી વચ્ચે દીકરીના અંતિમ સંસ્કાર માટે લાચાર પિતાની મદદે આવી બારડોલી પોલીસ, જુઓ VIDEO

પૂરના પાણીથી ઘેરાયેલા બારડોલીમાં 75 વર્ષીય પિતાની દીકરીનું અવસાન થતાં અંતિમવિધિ અશક્ય બની હતી. બારડોલી પોલીસે માનવતા દાખવી, મૃતદેહને કાંધ આપી અને હોડી દ્વારા પૂર વચ્ચેથી બહાર કાઢી અંતિમ સંસ્કાર કરાવ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 10 Jul 2026 09:35 PM (IST)Updated: Fri, 10 Jul 2026 09:35 PM (IST)
bardoli-police-help-father-for-daughters-funeral-amid-surat-floods

Surat Floods: બારડોલી પોલીસે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બારડોલીના ચાંદપીર દરગાહ વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધની પુત્રીનું નિધન થયું હતું અને તે સમયે ઘરની આસપાસ પાણી ભરાયેલા હતા, જેથી અંતિમવિધિ માટે સગા-સંબંધીઓ પણ પહોચી શકે તેમ નહતા. બીજી તરફ લાચાર પિતા પુત્રીના મૃતદેહ પાસે બેસીને વિલાપ કરી રહ્યા હતા. આ બાબતની જાણ થતા બારડોલી પોલીસ તાત્કાલિક ત્યાં પહોચી હતી અને ખાટલા પર પાર્થિવ દેહને કાંધ આપી અને ફાયર બ્રિગેડની હોડી મારફતે પૂર વચ્ચેથી બહાર કાઢી અંતિમ સંસ્કાર કરાવ્યા હતા

સુરત જિલ્લાના બારડોલી સ્થિત આવેલા ચાંદપીર દરગાહ પાસે ગત 8 તારીખના રોજ પાણી ભરાઈ ગયા હતા. આ સમયે ત્યાં વાડી વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ મગનભાઈ રાઠોડની 51 વર્ષીય દીકરી સવિતાબેનનું લાંબી બીમારીના કારણે કુદરતી અવસાન થયું હતું. એકલવાયા પિતા માટે એક તરફ દીકરી ગુમાવવાનું અસહ્ય આઘાત હતો તો બીજી તરફ ઘરની આસપાસ પાણી ભરાયા હતા જેથી કોઈ સગા સબંધીઓ પણ અંતિમવિધિ માટે પહોચી શકે તેમ ન હતા.


Ram Mandir Donation Case: VHP અધ્યક્ષ આકોલ કુમારે આક્રોશ ઠાલવ્યો, કહ્યું- 'ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચાલે, વર્ષના અંતે દોષિતોને સજા થાય'

વરસાદ અને પૂરના કારણે સમગ્ર વિસ્તાર ટાપુમાં ફેરવાઈ ગયો હતો અને તમામ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. ઘરની ચારેય બાજુ 7 થી 10 ફૂટ જેટલા પૂરના પાણી ફરી વળ્યા હોવાથી અંતિમ સંસ્કાર કેવી રીતે કરવા તે સૌથી મોટો પ્રશ્ન હતો. દીકરીની અંતિમવિધિ માટે પિતા અસહાય બન્યા હતા. આ કપરી પરિસ્થિતિની જાણ બારડોલી પોલીસ મથકના પીઆઈ વી.એ. સેંગલ અને સબ ઇન્સ્પેક્ટર ડી.કે. ચૌધરીને થઈ હતી જેથી તેઓ તાત્કાલિક ત્યાં પહોચવાનો નિર્ણય કર્યો હતો

પીઆઈ અને એ.એસ.આઈ. દિપકભાઈ, હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ, જીતેન્દ્રભાઈ અને જી.આર.ડી.ના જવાનોની ટીમ તાત્કાલિક ત્યાં પહોચવા રવાના થઇ હતી. પોલીસની આ ટીમ રસ્તાઓ બંધ હોવાથી પોલીસ કાફલો આશરે 1 કિલોમીટર સુધી 3 થી 4 ફૂટ જેટલા કમર સુધીના પાણીમાં પગપાળા ચાલીને મગનભાઈના ઘર સુધી પહોચી હતી અને મગનભાઈની દીકરીના મૃતદેહને ખાટલા પર ગોઠવી, પોતે જ કાંધ આપીને પાણીમાંથી મુખ્યમાર્ગ પર લાવ્યા હતા.

જો કે આગળ 10 ફૂટ જેટલું પાણી ભરાયેલું હોય પોલીસને આગળ વધવું મુશ્કેલ બન્યું હતું. જેથી પોલીસે તાત્કાલિક ફાયર વિભાગનો સંપર્ક કરીને રેસ્ક્યૂ બોટ મંગાવી હતી. આ હોડીની મદદથી મૃતદેહને સુરક્ષિત રીતે પૂરની બહાર જૂના ફળિયાના સ્મશાન સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

પોલીસની દેખરેખ હેઠળ સવિતાબેનની અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ હૃદયસ્પર્શી ઘટનાના અહેવાલો વાયુવેગે પ્રસરતા પોલીસની આ કામગીરીની મુક્તકંઠે પ્રશંસા થઈ રહી છે.બારડોલી પોલીસે સાબિત કરી દીધું કે, ખાખીનો રંગ માત્ર કાયદાના પાલન માટે જ નહીં, પરંતુ મુશ્કેલીના સમયે સમાજની પડખે ઊભા રહીને નિસ્વાર્થ માનવધર્મ નિભાવવા માટે પણ એટલો જ કટિબદ્ધ છે.