Surat News: સુરતમાંથી બાંગ્લાદેશી ઇસમ ઝડપાયો છે. એસઓજી પોલીસની ટીમે બાંગ્લાદેશી ઇસમે ખોટું નામ ધારણ કરી બોગસ ડોક્યુમેન્ટ આધારે બનાવેલા ભારતીય ચુંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાયન્સ તથા આધારકાર્ડ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ સુરત શહેરમાં એસઓજી પોલીસની ટીમે લાલગેટ પાળિયા ગ્રાઉન્ડ ઝુપડપટ્ટી પાસેથી આરોપી યુસુફ સરદારને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી બાંગ્લાદેશનું પાસપોર્ટની કલર ઝેરોક્ષ તથા ખોટા નામનું ભારતીય ચુંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ તથા આધારકાર્ડ અને 1 મોબાઈલ ફોન સહિતનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે પોતે બાંગ્લાદેશનો નાગરિક હોય અને આજથી દોઢેક વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે કુલ 1 હજાર બાંગ્લાદેશી કરન્સી ટાકા આપી બાંગ્લાદેશના સાતખીરા બોર્ડેરથી ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના બેનગોન ખાતેથી પ્રવેશ કર્યો હતો.
હાવડા રેલ્વે સ્ટેશન ખાતે આવી ટ્રેન મારફતે સુરત આવી અલગ અલગ જગ્યાએ ભાડેથી રહેતો હતો. તેમજ તેની પાસેથી મળી આવેલા ભારતીય ઓળખના પુરાવા બોગસ ડોક્યુમેન્ટ આધારે બનાવેલા હોવાનું સામે આવ્યું હતું. આરોપી સામે લાલગેટ પોલીસ મથકમાં ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
