Bagdana Controversy: SIT ની તપાસમાં 'દૂધનું દૂધ અને પાણીનું પાણી' થયું, હીરા સોલંકીએ પોલીસ અને સરકારનો માન્યો આભાર

તપાસની પ્રક્રિયા અંગે હીરા સોલંકીએ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જ્યારે SIT ની રચના થઈ ત્યારે જ અમને ખાતરી હતી કે સત્ય બહાર આવશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 27 Jan 2026 12:23 PM (IST)Updated: Tue, 27 Jan 2026 12:23 PM (IST)
bagdana-controversy-sit-report-clears-allegations-hira-solanki-thanks-authorities

Hira Solanki On Bagdana Controversy: બગદાણા હુમલાની તપાસ માટે રચાયેલી SIT એ ટેકનિકલ પુરાવાઓના આધારે મુખ્ય આરોપી જયરાજ આહીરની ધરપકડ કરી કાયદાકીય પ્રક્રિયા તેજ બનાવી છે. 29 ડિસેમ્બરની આ ઘટનામાં લાંબા સમય બાદ મળેલી સફળતાને ધારાસભ્ય હીરા સોલંકીએ ન્યાયની જીત ગણાવી છે.

'SIT એ સાચી દિશામાં કામ કર્યું'

તપાસની પ્રક્રિયા અંગે હીરા સોલંકીએ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "જ્યારે SIT ની રચના થઈ ત્યારે જ અમને ખાતરી હતી કે સત્ય બહાર આવશે. નવનીતભાઈ અને સમાજના યુવાનોની માંગ હતી કે આ તપાસ તટસ્થ રીતે થાય. હવે પોલીસે ગુનેગારોની ધરપકડ કરીને સાબિત કરી દીધું છે કે કાયદો સર્વોપરી છે. હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું કે જેમણે સામાન્ય માણસને ન્યાય અપાવવા માટે મક્કમતા બતાવી."

કોળી સમાજના વકીલોની ટીમ મેદાને

આ કેસમાં નવનીત બાલધિયાને મજબૂત કાયદાકીય ટેકો મળી રહે તે માટે કોળી સમાજના જાણીતા વકીલોની એક આખી ફોજ આગળ આવી છે. હીરા સોલંકીએ જણાવ્યું કે આ વકીલોની ટીમ નવનીતભાઈને ન્યાય અપાવવા માટે સંપૂર્ણ કાયદાકીય લડત આપશે. રિમાન્ડ બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે આ કેસ જૂનો છે અને પોલીસે વિગતવાર તપાસ બાદ જ ધરપકડ કરી છે.

માયા આહીરના વીડિયો પર પ્રતિક્રિયા

લોકગાયક માયાભાઈ આહીરના વાયરલ વીડિયો અંગે, જેમાં તેઓ કહી રહ્યા છે કે 'જે થયું તે સારું થયું અને આગળ પણ સારું જ થશે', તેના પર પ્રતિક્રિયા આપતા હીરા સોલંકીએ મુત્સદ્દીગીરી પૂર્વક જણાવ્યું કે, "આ માયાભાઈની પોતાની લાગણી હોઈ શકે છે. અમે પણ એ જ ઈચ્છીએ છીએ કે જે થાય તે સારું જ થાય. આ કોઈ જ્ઞાતિનો ઝઘડો કે અંગત અદાવત નથી, પરંતુ અન્યાય સામેની લડાઈ છે."

ગુજરાતમાં ગુંડાગીરી માટે કોઈ સ્થાન નથી

ધારાસભ્યએ કડક શબ્દોમાં ચેતવણી આપતા ઉમેર્યું કે, "ગૃહ વિભાગના કડક વલણને કારણે હવે કોઈ પણ ગુનેગાર બચી શકશે નહીં. ગુજરાતમાં ગુંડાગીરી કે ભાઈગીરી કરવા માંગતા તત્વો માટે હવે કોઈ સ્થાન નથી. અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને દોષિતોને સખત સજા થશે જ."