Amreli Rain: અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જાફરાબાદ અને તેની આસપાસના કોસ્ટલ બેલ્ટમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ભારે વરસાદથી નદી-નાળા છલકાયા
જાફરાબાદ તાલુકાના મિતિયાળા, વઢેરા, કડિયાળી, નાગેશ્રી અને બાબરકોટ સહિતના ગામોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે વરસાદને પગલે પંથકના નદી-નાળા છલકાયા છે અને ખેતરો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જાફરાબાદના ધારાબંદરમાં વરસાદી પાણી ઘૂસી જતાં નીચાણવાળા વિસ્તારો અને ગ્રામ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેનાથી જનજીવન ભારે પ્રભાવિત થયું છે.
ધારાસભ્ય હીરા સોલંકીની રાહત કામગીરી
ધારાબંદરમાં પાણી ઘૂસ્યા હોવાની જાણ થતાં જ રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી તાત્કાલિક અસરથી ધારાબંદર પહોંચ્યા હતા. તેમણે જાતે ઊભા રહીને ફસાયેલા સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરાવી હતી અને લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા પણ ઊભી કરી હતી. આ ઉપરાંત, ધારાસભ્યએ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સાવચેત રહેવા અને કારણ વગર બહાર ન નીકળવા અંગે અપીલ કરી હતી.

સાવરકુંડલામાં નાવલી નદી બે કાંઠે થઈ
બીજી તરફ, સાવરકુંડલામાં પણ અનરાધાર વરસાદ બાદ નાવલી નદી બે કાંઠે વહેતી થઈ છે. નાવલી નદીમાં પૂર આવતાં સાવરકુંડલા શહેરના બ્રિજ ઉપરથી પાણી વહેતું થયું હતું. બ્રિજ પર જોખમી રીતે પાણી ફરી વળતાં સાવચેતીના ભાગરૂપે વાહનવ્યવહાર બંધ કરી દેવાયો છે. પાણીનો પ્રવાહ એટલો તેજ છે કે તે નાવલી પોલીસ ચોકી સુધી પહોંચી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પ્રથમવાર નાવલી નદીએ આવું ભયજનક અને રૌદ્ર સ્વરૂપ પકડ્યું છે.

સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ વચ્ચે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગીણીયા ગામે એક મકાનની દીવાલ ધરાશાયી થતાં ઘરમાં રસોઈ બનાવી રહેલી 40 વર્ષીય મહિલા કૈલાશ બેન સકુરભાઈ માંગુડા કાટમાળ નીચે દબાઈ ગયા હતા. જેના લીધે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકોએ કાટમાળ હટાવીને તેમને સારવાર અર્થે ખસેડયા હતા. પ્રાપ્ત અહેવાલ મુજબ, હાલ મહિલાની સ્થિતિ નાજુક છે

