અમદાવાદના હત્યા કેસનો ફરાર આરોપી સુરતમાંથી ઝડપાયો, ભીંડી બજારમાં છૂટક મજુરી કરતો હતો

અમદાવાદમાં પકડાઈ જવાનો ભય હોવાથી આશરે પંદર દિવસ પહેલાં તે સુરત આવી ગયો હતો. અહીં ભીંડી બજાર વિસ્તારમાં રહીને છૂટક મજૂરી કરી રહ્યો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 24 Nov 2026 03:06 PM (IST)Updated: Tue, 24 Nov 2026 03:06 PM (IST)
ahmedabad-murder-case-accused-arrested-by-surat-crime-branch

Surat News: અમદાવાદમાં રિક્ષામાં બેસવા બાબતે ઝઘડો થયા બાદ એક યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલો એક આરોપી સુરતમાંથી ઝડપાયો છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો. આશરે પંદરેક દિવસ પહેલા અમદાવાદ ખાતે પકડાય જવાનો ડર હોય જેથી સુરત આવીને છૂટક મજુરી કરતો હતો.

રિક્ષામાં બેસવા બાબતે ઝગડો થયો હતો

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, ગત તા. 29 માર્ચ 2026ના રોજ રાત્રે આશરે પોણા દસ વાગ્યે અમદાવાદના વટવા ગામ શાકમાર્કેટ પાસે આવેલા જાહેર શૌચાલય નજીક હત્યાની ઘટના બની હતી. આરોપી ક્રિષ્ના ઉર્ફે કૃષ્ણા ખૈરે, અરુણ ચુનારા અને હાલ ઝડપાયેલો તરીકુલ ઉર્ફે તારીકુલ મિજાનુર શેખને રિક્ષામાં બેસવા બાબતે મૃતક સુલેમાન શેખ સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન ત્રણેયે સુલેમાન શેખને ગડદાપાટુ અને લાફા મારી હુમલો કર્યો હતો.

ભીંડી બજાર વિસ્તારમાં રહીને છૂટક મજૂરી કરી રહ્યો હતો

સુલેમાનનું ગળું પકડી રિક્ષાના પાઇપ સાથે અથડાવતાં તેનું મોત થયું હતું. બનાવ બાદ ત્રણેય આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હત્યાની ઘટના બાદ પોલીસથી બચવા માટે આરોપી તરીકુલ શેખ અમદાવાદમાં અલગ-અલગ જગ્યાએ રહેતો હતો. જોકે, ત્યાં પણ પકડાઈ જવાની આશંકા હોવાથી આશરે પંદર દિવસ પહેલાં તે સુરત આવી ગયો હતો. અહીં ભીંડી બજાર વિસ્તારમાં રહીને છૂટક મજૂરી કરી રહ્યો હતો.

દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની આર્મ્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલો તરીકુલ ઉર્ફે તારીકુલ મિજાનુર શેખ હાલ સુરતના ભીંડી બજાર વિસ્તારમાં છુપાઈને રહે છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભીંડી બજાર, ઉનપાટિયા વિસ્તારમાં તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.