અમદાવાદમાં 9 વર્ષ જૂના મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, મિત્રની નજર સામે જ શંકાશીલ પત્નીને ઊંચી કરીને સાબરમતીમાં નદીમાં ફેંકી દેનાર પતિ જેલભેગો

પ્રેમલગ્ન કર્યા બાદ સતત ઝઘડા થતાં 4 મહિનામાં જ પતિએ પત્નીને પતાવી દીધા બાદ બીજા લગ્ન કરી લીધા. બીજી પત્ની હાલ ગર્ભવતી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 23 Jun 2026 08:04 PM (IST)Updated: Tue, 23 Jun 2026 08:04 PM (IST)
ahmedabad-news-husband-arrested-9-years-after-pushing-wife-into-sabarmati-river

Ahmedabad: આજથી 9 વર્ષ પૂર્વે સાબરમતી નદીમાંથી અજાણી યુવતીના મળી આવેલા મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં યુવતીને તેના જ પતિએ મિત્રની નજર સામે જ ઊંચકીને રિવરફ્રન્ટ પરથી નદીમાં નાંખીને હત્યા કરી નાંખી હતી. આ મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી લીધી છે.


બિનવારસી મૃતદેહ સમજીને યુવતીના અંતિમ સંસ્કાર કરી દેવાયા

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, જૂન-2017માં અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે રિવર ફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસની તપાસ છતાં યુવતીની ઓળખ ના થતાં આખરે બિનવારસી મૃતદેહ માનીને નિયમ પ્રમાણે તેના અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.

 


પ્રેમલગ્ન બાદ શંકાશીલ પત્નીની પતિએ પતાવી દીધી હતી

આજથી 9 વર્ષ પૂર્વે બનેલા આ બનાવમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PIને મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરતાં મૃતક યુવતીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતુ. આ મામલે પોલીસે હાથીજણમાં રહેતા યુવતીના પતિ મિનેશ ઉર્ફે મોન્ટુ સોલંકીની ધરપકડ કરીને તેની પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે 2017માં જ મૃતક યુવતી કોમલ સાથે પ્રેમલગ્ન કર્યાં હતા. જો કે લગ્ન બાદ કોમલ પોતાના પર શંકા રાખીને સતત ઝઘડા કરતી હતી. કોમલ પરિવારને સાથે સબંધ ના રાખવા માટે જીદ કરતી હતી. જેને પગલે બન્ને વચ્ચે સતત માથાકૂટ થતી હતી.

મિત્રની નજર સામે જ પતિએ પત્નીને ઊંચી કરીને નદીમાં ફેંકી

ગત 24 જૂન, 2017ના રોજ રથયાત્રાની સાંજે મિનેશ, પત્ની કોમલ પોતાના મિત્ર સાથે દધીચિ બ્રિજ નીચે રિવરફ્રન્ટ પર બેઠા હતા. આ સમયે ફરીથી કોમલ અને મિનેશ વચ્ચે તડાફડી થઈ હતી. આ દરમિયાન માથે ખૂન સવાર થતા મિનેશ પત્ની કોમલને મિત્રની નજર સામે જ ઊંચી કરીને સાબરમતી નદીમાં ફેંકી દીધી હતી. જે બાદ મિનેશ મિત્રને પણ કોઈને જાણ કરશે, તો નદીમાં ફેંકી દેવાની ધમકી આપતા તે ચૂપ રહ્યો હતો.

મિનેશ સોલંકીએ બીજા લગ્ન કર્યાં, બીજી પત્ની ગર્ભવતી

મિનેશે પ્રથમ પત્નીની હત્યા કર્યાના બીજા દિવસે કાલુપુર પોલીસ મથકમાં કોમલ ગુમ થવા અંગે ફરિયાદ પણ નોંધાવી હતી. જેથી કોમલનો પરિવાર અને પોલીસ પણ એવું સમજતી હતી કે, કોમલ રિસાઈને ક્યાંક જતી રહી હશે. જે બાદ આ સમગ્ર કેસ ફાઈલો વચ્ચે દબાઈ ગયો હતો.

જો કે બાતમીના આધારે પોલીસે હત્યારાના મિત્રની પૂછપરછ કરતાં હત્યાકાંડનો ભાંડો ફૂટ્યો હતો. કોમલની હત્યા કર્યાં બાદ મિનેશે બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા છે. હાલ તેની બીજી પત્ની ગર્ભવતી હોવાનું માલૂમ પડ્યું છે.