Surat: શહેરના વરાછા વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસની બહાર રોમિયોગીરી કરતા બે યુવકોને લોકોએ ઝડપી પાડી મેથીપાક આપ્યો હતો. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોચી હતી. પોલીસે બંને યુવકોને પોલીસ મથકે લઇ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
છેડતી કરનારાઓની વિદ્યાર્થિનીઓએ હિંમતપૂર્વક સામનો કર્યો
વરાછા રોડ પર હીરાબાગ સર્કલ પાસે આવેલા એક ખાનગી ટ્યુશન ક્લાસીસમાં અનેક વિદ્યાર્થિનીઓ અભ્યાસ માટે આવે છે. આ ક્લાસીસની બહાર બે યુવકો અવારનવાર આંટાફેરા મારીને વિદ્યાર્થિનીઓની છેડતી અને હેરાનગતિ કરતા હતા. આજે પણ આ બંને યુવકો ક્લાસની બહાર રોમિયોગીરી કરી, વિદ્યાર્થિનીઓની પાછળ જઈ માથાકૂટ અને છેડતી કરી રહ્યા હતા. યુવકોની આ હેરાનગતિથી કંટાળીને આખરે વિદ્યાર્થિનીએ હિંમત દાખવી હોબાળો મચાવ્યો હતો.
વિદ્યાર્થિનીની બૂમાબૂમ સાંભળીને આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. લોકોની ભીડ એકઠી થતાં જ ગભરાયેલા બંને રોમિયો ત્યાંથી ભાગવા લાગ્યા હતા, પરંતુ સતર્ક લોકોએ પીછો કરીને તેમને મુખ્ય રોડ પર જ દબોચી લીધા હતા. છેડતીની ઘટનાથી રોષે ભરાયેલા લોકોના ટોળાએ બંને યુવકોને રસ્તા પર જ બરાબરનો પાઠ ભણાવ્યો હતો અને મેથીપાક આપ્યો હતો. આ સમયે એક રોમિયો બચવા માટે રીતસરની કાકલૂદી કરતો જોવા મળ્યો હતો.
