Surat News: પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો અને 3.65 લાખની કિંમતનો 36.525 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરત રેલવે એનડીપીએસ.ડેડીકેટેડ ટીમ અને પશ્ચિમ રેલવે વડોદરા એસઓજી. પોલીસની ટીમ દ્વારા પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન (ટ્રેન નંબર 12843)માં પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને ઉધના તરફ આવતા દરમ્યાન રીઝર્વેશન કોચ નં. એસ/4 અને કોચ નં. એસ/3 ની વચ્ચે રનીંગ ટ્રેનમાં બગુમરા રેલ્વે સ્ટેશન પસાર થયા પછી એક ઇસમને મીણીયા કોથળીઓ તથા બે બેકપેક સાથે શંકાસ્પદ હાલતમાં પકડી લીધો હતો. પોલીસે કોથળામાં તપાસ કરતા તેમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોપી પ્રતાપચંદ્ર અરખીત ગૌડા [ઉ.27] ની ધરપકડ કરી હતી.
પોલીસે તેની પાસેથી 3,65,250 રૂપિયાની કિમંતનો 36.525 કિલોગ્રામ ગાંજાનો જથ્થો અને એક મોબાઈલ ફોન અને 500 રોકડા રૂપિયા મળી કુલ 3,70,750 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલો આરોપી મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો વતની છે અને સુરતમાં તે ભેસ્તાન વિસ્તારમાં રહે છે. સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં આરોપી સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.