Surat News:પલસાણા તાલુકાના બલેશ્વર ગામ ખાતે આવેલા અવધ સાંગ્રીલામાં જુગાર રમતા ૧૧ લોકોને સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે ૫૬.૨૦ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામ ખાતે આવેલા અવધ સાંગ્રીલામાં મકાનમાં નાસીર હુસેન ઉર્ફે પપ્પુ રહેમાન સમા તથા ગોરધનભાઈ વીરજીભાઈ સરવૈયા બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો હોવાની બાતમી સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી અને ત્યાંથી જુગાર રમતા ૧૧ લોકોને ઝડપી પાડયા હતા તેમજ પોતાના મકાનમાં જુગાર રમાડનાર તેમજ નાલના રૂપિયા લેનારા મકાન માલિક ગોરધનભાઈ વીરજીભાઈ સરવૈયાને વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે ત્યાંથી ૩.૭૫ લાખની રોકડ, ૧૩ મોબાઈલ, ૫ ફોરવ્હીલ અને એક મોપેડ અને સ્કોર્પિયો કારમાંથી મળેલા ૮ લાખ રોકડા રૂપિયા સહીત કુલ ૫૬.૨૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો અને જુગાર રમતા પકડાયેલા તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલા આરોપીઓમાં નાસીર હુશેન ઉર્ફે પપ્પુ રહેમાન સમા, અરવિંદભાઈ બંશીભાઈ ધાણીધારીયા, હાજી ઈસ્માઈલ મંસુરી, ભગવાનભાઈ જેઠાભાઈ રામ, પ્રભાભાઈ નારણભાઈ બલર, વિઠ્ઠલભાઈ મોહનભાઈ સાવલિયા, ખીમજીભાઈ નાથાભાઈ પટેલ, દિલીપકુમાર ઘનશ્યામભાઈ કાનાણી, રાજીવ વિઠ્ઠલભાઈ સાવલિયા, સંજયકુમાર દિનેશભાઈ બોરીચા અને ધર્મેશકુમાર ગોવિંદભાઈ સોલંકીનો સમાવેશ થાય છે. પોલીસે જુગારધારા હેઠળ કેસ નોંધી આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
