Surat: વેસુની બે સંતાનોની માતાને વડોદરાના વેપારીએ લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારી રૂ. 64 લાખ પડાવ્યા

વિધુર વેપારી વડોદરામાં પોતાના ઘરે અને મુંબઈ લઈ જઈ મહિલા સાથે શરીર સબંધ બાંધ્યા, લગ્નની વાત કરતા ફરી ગયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 09 Nov 2024 07:50 PM (IST)Updated: Sat, 09 Nov 2024 07:50 PM (IST)
surat-news-rape-on-vesu-woman-by-vadodara-trader-police-file-fir

Surat: શહેરના વેસુ વિસ્તારમાં રહેતી બે સંતાનોની માતા બીજા લગ્ન કરવાના ચક્કરમાં દુષ્કર્મનો ભોગ બની હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં મેટ્રોમોનિયલ સાઈટ્સ થકી સંપર્કમાં આવેલા વડોદરાના વેપારીએ લગ્નની લાલચ આપીને મહિલાનું યૌન શોષણ કરવા ઉપરાંત ધંધામાં રોકાણના નામે 64 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વેસુ વિસ્તારમાં 49 વર્ષીય પીડિત મહિલા પોતાના બે સંતાનો સાથે રહે છે. પીડિતાના પતિ આજથી ચારેક વર્ષ અગાઉ ઘરેથી ચાલ્યા ગયા હતા. જેથી મહિલાએ પરિવારજનોના કહેવાથી બીજા લગ્ન કરવા માટે મેટ્રોમોનિયલ સાઈટ્સ પર પોતાની પ્રોફાઈલ મૂકી હતી.

આ સાઈટ્સ થકી વડોદરામાં રહેતા કાપડના વેપારી સુરેશ લેડવાણીએ પીડિતાનો સંપર્ક કર્યો હતો. વેપારીની પત્નીનું અવસાન થયું હોવાથી તે પણ બીજા લગ્ન કરવા માંગતો હોવાથી તેણે પીડિતાને ફસાવી હતી.

વેપારીએ મહિલાને લગ્ન કરવાનું વચન આપીને પોતાના ઘરે અને મુંબઈની હોટલમાં લઈ જઈને શરીર સબંધ બાંધ્યા હતા. આ ઉપરાંત વેપારીએ ધંધામાં સારા નફાની લાલચ આપીને ટૂકડે-ટૂકડે પીડિતા પાસે રૂ. 64 લાખનું રોકાણ કરાવ્યું હતુ.

જ્યારે યુવતીએ લગ્ન કરવાની વાત કરતાં વેપારી ફરી ગયો હતો અને પીડિતાએ રોકેલા 64 લાખ રૂપિયા પણ પરત કરતો નહતો. આખરે પીડિતાએ વેસુ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદના આધારે વેપારી સુરેશ લેડવાણી વિરુદ્ધ વિશ્વાસઘાત અને દુષ્કર્મનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.