Kutch: પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં 'ધોરડો- ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ' વિષય પર રજૂ થશે ગુજરાતની ઝાંખી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 22 Jan 2024 10:24 PM (IST)Updated: Tue, 23 Jan 2024 10:39 AM (IST)
kutch-news-gujarat-tableau-dhordo-in-republic-day-parade-on-kartavya-path

Kutch: આગામી પ્રજાસત્તાક દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર 'ધોરડો-ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ' વિષય પર ગુજરાતની ઝાંખી રજૂ કરવામાં આવશે.

ગુજરાતે હંમેશા પોતાના સામાજિક, રાજકીય, ઓદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસના માધ્યમથી દેશને એક નવી દિશા ચિંધી છે. એવામાં આ વર્ષે 26 જાન્યુઆરી, 2024ના રોજ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજિત પ્રજાસત્તાક પર્વની પરેડમાં રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી ધોરડો-ગુજરાતના સરહદી પ્રવાસન સ્થળની વૈશ્વિક ઓળખ વિષય પર આધારિત ઝાંખી પ્રસ્તુત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ યુનાઈટેડ નેશન વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશને ધોરડોને વિશ્વના સર્વશ્રેષ્ઠ ટુરિસ્ટ વિલેજની યાદીમાં સ્થાન આપ્યું હતુ. આ સરહદી ગામ પોતાની જીવંતતા અને વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા સાથે જ ગુજરાત તેમજ દેશના સરહદી પ્રવાસને પ્રોત્સાહન પુરુ પાડે છે.

આ ઝાંખી થકી એવું દર્શાવવામાં આવશે કે, કેવી રીતે ભૌગોલિક અને પર્યાવરણીય પડકારો છતાં કચ્છના સરહદી ગામડા ધોરડો કેવી રીતે પ્રવાસન ક્ષેત્રે ઉભર્યું છે. આ ઝાંખીના આગળના ભાગમાં ફરતા ગોળામાં ગુજરાતની ભૌગોલિક સ્થિતિને દર્શાવવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતના નક્સા અને 'ભૂંગા' તરીકે ઓળખાતા કચ્છના ઘરો અને ધોરડો દર્શાવવા સાથે જ સ્થાનિક હસ્તકળા, રોગન આર્ટ ઉપરાંત પરંપરાગત કચ્છી સંગીત જેવા વિષયો બખૂબી દર્શાવવામાં આવ્યા છે. પારંપારિક પહેરવેશમાં સજ્જ વિદેશી પર્યટકોને ડિજિટલ પેમેન્ટ કરીને અહીંની કલાકૃતિઓ ખરીદતા પણ દર્શાવવામાં આવ્યા છે. જે આ ગામની પરંપરાની સાથે-સાથે ડિજિટલ વિકાસને પણ દર્શાવી રહ્યું છે.

આ સાથે જ ઝાંખીમાં રણોત્સવ, ટેન્ટસિંટી અને કચ્છની વિવિધ કલાઓને પણ પ્રદર્શિત કરવામાં આવી છે. આ ઝાંકીમાં પારંપારિક પોષાકમાં ગરબા કરતી મહિલાઓ ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહી છે. આ ઝાંખીનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઈઝિંગ પ્રાઈવેટ લિમિટેડના સિદ્ધેશ્વર કાનૂગા કરી રહ્યાં છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.