સોફા પર સૂતેલા ગાર્ડ પર અચાનક હુમલો: એક ફોન કોલ કેવી રીતે બન્યો મોતનું કારણ?

સાબરકાંઠાના તલોદમાં એક સિક્યુરિટી ગાર્ડની તેના જ સહકર્મીએ ઘાતકી હત્યા કરી નાખી હતી. જાણો શું છે સમગ્ર મામલો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 26 Nov 2026 10:41 PM (IST)Updated: Thu, 26 Nov 2026 10:41 PM (IST)
talod-security-guard-murder-phone-call-girlfriend-axe-attack

Sabarkantha Crime News: સાબરકાંઠા જિલ્લાના તલોદ પંથકમાં એક બંધ કંપનીમાં સામાન્ય લાગતી ફોન પરની વાતચીતનો વિવાદ લોહિયાળ હત્યામાં પરિણમ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પ્રેમિકા સાથે ફોન પર વાત કરવા મામલે સાથી સિક્યુરિટી ગાર્ડે ફોન બંધ કરાવતા ઉશ્કેરાયેલા આરોપી બાલકિશન ઉર્ફે મામાએ સહકર્મી ઉપેન્દ્રકુમાર પર કુહાડીના ઘા ઝીંકી દઈને ક્રૂર હત્યા કરી નાખી હતી. 25 નવેમ્બરના રોજ પહેલા બનેલી ઘટનામાં તલોદ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સામાન્ય બોલાચાલીમાંથી જીવલેણ હુમલો

આ ઘટનામાં સૌથી ચૌંકાવનારી બાબત એ છે કે, હત્યા પાછળ કોઈ પૂર્વઆયોજિત કાવતરુ નહીં, પરંતુ ફોન પર વાતચીત અટકાવવાથી સર્જાયેલું તત્કાલીન મનદુખ કારણભૂત બન્યું છે. આરોપી બાલકિશન પોતાની પ્રેમિકા સાથે ફોન પર વાતચીત કરી રહ્યા હતા. ત્યારે સહકર્મી ઉપેન્દ્રકુમાર તેમનો ફોન લઈને વાતચીત બંધ કરાવી હતી. આ ઘટનાને લઈને બંને વચ્ચે મનદુ:ખ સર્જાયું હતું. જેણે આગળ જતાં હિંસક સ્વરુપ ધારણ કર્યું હતું.

બંધ કંપનીની ઓફિસમાં બનેલી કરુણ ઘટના

આ સમગ્ર બનાવ તલોદથી ઉજેડિયા તરફ જતાં માર્ગ પર કેસરપુરા ગામ નજીક આવેલી બંધ સન સિલિકોન કંપનીમાં બન્યો હતો. જ્યારે મૃતક ઉપેન્દ્રકુમાર કંપનીની ઓફિસમાં સોફેા પર સૂતા હતા. ત્યારે આરોપી બાલકિશને તકનો લાભ લઈ કુહાડી વડે માથાના ભાગે ગંભીર હુમલો કર્યો હતો. માથામાં થયેલી ગંભીર ઈજાઓને કારણે ઉપેન્દ્રકુમારનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

મૃતક અને આરોપીની પૃષ્ઠભૂમિ

મૃતક ઉપેન્દ્રકુમાર મૂળ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના રતપુરા લેદાના અબ્દુલાપુરના રહેવાસી હતા અને કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. આરોપી બાલકિશન ઉર્ફે મામા પણ તેમની સાથે કામ કરતા સહકર્મી છે અને મૂળ ઉત્તર પ્રદેશના વતની છે. બનાવ અંગે તલોદ પોલીસે ગુનો દાખલ કરીને આરોપી બાલકિશન ઉર્ફે મામાની ધરપકડ કરી છે.