Sabarkantha: હિંમતનગરની સિવિલ હૉસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરમાંથી સ્ટાફ નર્સ ઉપરાંત અન્ય એક મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, છેલ્લા 8 વર્ષથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા છાયાબેન કલાસવા સ્ટાફ ક્વાર્ટરના બી-1 બ્લોકના રૂમ નંબર 401માં રહેતા હતા. આજે સ્ટાફ ક્વાર્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પરથી છાયાબેનની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.
જેથી હિંમતનગર એ-ડિવિઝન પોલીસ મથકનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ દરમિયાન તપાસ કરતાં સ્ટાફ ક્વાર્ટરમાં છાયાબેનના રૂમની બાજુમાં આવેલા 402 નંબરની રૂમમાંથી વધુ એક મહિલાની લાશ મળી આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં રૂમ નંબર 402માંથી મળી આવેલી યુવતીની ઓળખ મૂળ ઈડરની વતની ડિમ્પલ પટેલ તરીકે થઈ છે. જેના પતિ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે, જ્યારે ડિમ્પલ ઘરે બાળકોને ટ્યૂશન કરાવતા હોવાનું જાણવા મળ્યું છે.
હજુ સુધી બન્ને મહિલાઓના મોતનું ચોક્કસ કારણ જાણવા નથી મળી રહ્યુ. હાલ તો પોલીસે બન્નેની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી છે. જ્યારે હાલ પોલીસની ટીમો અલગ-અલગ એંગલથી તપાસ કરી રહી છે.
