Sabarkantha News: હિંમતનગરમાં આવેલા મહાકાળી મંદિર પાસેની બંસીધર સોસાયટીમાં કુતરાઓને ખાવાનું આપવા બાબતે બે પરિવાર વચ્ચે માથાકૂટ થઇ હતી. કુતરાઓને ખાવાનું આપ્યા બાદ ગાડીઓના કવરને નુકસાન કરવામાં આવતી હોવા બાબતે એક પરિવારે કહેતા ઝગડો થયો હતો અને આ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. જેમાં બે લોકોને ઇજા પહોંચી હતી. બનાવ અંગે બન્ને પરિવારે સામ-સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચાર સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદમાં હરીચંદ્ર ખુમાનસિંહ બિહોલાએ જણાવ્યું છેકે, સોમવારે 7 એપ્રિલે તેમના પત્ની સાથે તેમના મકાનની સામે રહેતા જયવીરસિંહ તથા તેમની પત્નીએ રખડતાં કુતરાઓ બાબતે બોલાચાલી કરી હતી. જેથી હરીચંદ્રસિંહ આ બાબતે જયવીરસિંહને કહેવા ગયા હતા. એ વખતે જયવીરસિંહે ઘરની બહાર આવી હરીચંદ્રસિંહને ધકકો મારી દઇ નીચે પાડી દઇ ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા. બચાવવા વચ્ચે પડેલા હરીચંદ્રસિંહના પત્ની સાથે પણ મારામારી કરી હતી. તેમજ હવે પછી કુતરાઓને ખાવાનું નાખશો તો જીવતા નહીં છોડીએ તેવી ધમકી ઉચ્ચારી હતી.
જ્યારે આ સંદર્ભે નોંધાયેલી બીજી ફરિયાદમાં જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું છેકે, સોમવારે 7 એપ્રિલે બપોરના આશરે બે વાગ્યાની આસપાસ મારી ગાડીની આજુબાજુ કુતરાઓ બેઠલા હતા. જેથી અમારા મકાનની સામે રહેતા જનકબા હરીચંદ્રસિંહ બિહોલાને કહ્યું હતું કે માસી તમે આ રીતે કુતરાઓને ખાવાનું નાખીને અહીં બેસી રહેવાની ટેવ ન પાડો. કુતરા અહીં બેસી રહે છે અને રાત્રે અમારી ગાડીના કવર ફાડી નાખે છે. ત્યારે તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને કુતરા તો અહીં જ બેસી રહેશે. તમારું નુકસાન કરે એમાં હું શું કરું. એજ દિવસે રાત્રે હરીચંદ્રસિંહ અને તેમના પત્ની અમારા ઘરે આવ્યા હતા અને બોલાચાલી કરી હતી તથા અમારી સાથે મારામારી કરી હતી.
