Ahmedabad Dog Bite Case: અમદાવાદ શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે નાગરિકો હવે રસ્તા પર નીકળતા ડરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રખડતા કૂતરાઓના ખસીકરણ અને રસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં, ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ વધુ વણસી રહી છે.
6 મહિનામાં 46,634 લોકો બન્યા શિકાર
પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષ 2026 ના પ્રથમ છ મહિનામાં જ શહેરમાં કુલ 46,634 ડોગ બાઈટના કેસો નોંધાયા છે. આનો અર્થ એ થયો કે શહેરમાં દરરોજ સરેરાશ 250 થી વધુ લોકો કૂતરા કરડવાનો શિકાર બની રહ્યા છે.
મહિના મુજબ ડોગ બાઈટના આંકડા
| મહિનો | ફરિયાદ સંખ્યા |
|---|---|
| જાન્યુઆરી (January) | 8,658 |
| ફેબ્રુઆરી (February) | 7,753 |
| માર્ચ (March) | 8,186 |
| એપ્રિલ (April) | 7,830 |
| મે (May) | 7,389 |
| જૂન (June) | 6,818 |
| કુલ (Total) | 46,634 |
10 કરોડનો ખર્ચ છતાં પરિણામ શૂન્ય
AMC ના કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNCD) ના આંકડા મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં રખડતા કૂતરાઓના ખસીકરણ અને રસીકરણ પાછળ અંદાજે રૂ. 10 કરોડથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કુલ 1,35,380 કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું હોવાનો દાવો છે, તેમ છતાં કૂતરા કરડવાના બનાવો સતત વધી રહ્યા છે.
વર્ષ વાર ખર્ચ અને કામગીરીની વિગત
| વર્ષ | ખસીકરણ સંખ્યા | અંદાજિત ખર્ચ (રૂપિયામાં) |
|---|---|---|
| 2020-21 | 30,360 | 2.77 કરોડ |
| 2022-23 | 46,471 | 1.41 કરોડ |
| 2023-24 | 40,206 | 3.92 કરોડ |
| 2024-25 | 14,461 | 1.41 કરોડ |
| 2025-26 | 3,882 | 50.11 લાખ |
| કુલ | 1,35,380 | ₹10,01,11,000 |
અમદાવાદ મનપામાં ફરિયાદોનો ખડકલો
શહેરીજનોમાં સૌથી વધુ રોષ એ બાબતનો છે કે કૂતરા પકડવા માટે ફરિયાદ કરવા છતાં તંત્રની ટીમો સમયસર પહોંચતી નથી. છેલ્લા પાંચ મહિનામાં રખડતા કૂતરા પકડવા માટે અમદાવાદ મહાનગરપાલિકામાં 3,151 ફરિયાદો કરવામાં આવી છે. એપ્રિલમાં 696 અને જુલાઈમાં 760 ફરિયાદો નોંધાઈ હતી, જે દર્શાવે છે કે લોકો આ સમસ્યાથી કેટલા ત્રસ્ત છે.
