Sabarkantha News: રાજ્યભરમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક જગ્યાએ હાઇવે પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે. ઇડરથી અંબાજી તરફ જતા હાઇવે પર પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અંડરપાસમાં પાણી ભરાઈ જતાં સ્ટેટ હાઇવે પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. જેના કારણે વાહનચાલકો અને યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાદરવી પૂનમના પવિત્ર અવસરે અંબાજી તરફ જતા ભક્તોની ભીડ વચ્ચે આ પરિસ્થિતિ વધુ કપરી બની છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ઈડર નજીક અંબાજી સ્ટેટ હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો છે. રેલવે અંડરપાસમાં પાણી ભરાવાને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેના લીધે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો. જેના પરિણામે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
ખાસ કરીને ભાદરવી પૂનમના કારણે અંબાજી તરફ જતા શ્રદ્ધાળુઓ અને અન્ય વાહનચાલકોની અવરજવર વધી છે. આવા સમયે અંડરપાસમાં પાણી ભરાવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. હાઈવેની બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે લોકોને ગંતવ્ય સ્થાને પહોંચવામાં અસામાન્ય વિલંબનો સામનો કરવો પડ્યો હતો.