Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના ઇડરના નેત્રામલી ગામથી નાના કોટડા જતા રસ્તા પરથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. અજાણ્યા યુવકનો મૃતદેહ હોવાની જાણ થતાં આસપાસના લોકો પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતકની ઓળખ કરવામાં આવતા આ યુવક નેત્રામલી ગામનો રહેવાસી હોવાનું અને સોલાર પેનલ લગાવવાનું કામ કરતો હોવાનુ જાણવા મળ્યું હતું.
બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, ઇડર તાલુકામાં નેત્રામલી ગામ આવેલું છે. આ ગામથી નાના કોટડા તરફ જતા રસ્તા પર એક અજાણ્યા યુવકનો મૃતદેહ પડ્યો હોવાની વાત વાયુવેગે આસપસ ફેલાઈ ગઇ હતી. જેથી મોટી સંખ્યામાં ગ્રામજનો ત્યાં એકઠાં થયા હતા. મૃતદેહ મળ્યો હોવાની જાણ સ્થાનિકો દ્વારા ઇડર પોલીસને કરવામાં આવી હતી. જેથી ઇડર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તથા ઓળખ વિધિ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતકની ઓળખવિધિ કરવામાં આવતા આ યુવકનું નામ અજય પરમાર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. યુવક નેત્રામલી ગામનો રહેવાસી હતો અને સોલાર પેનલ લગાવવાની કામગીરી કરતો હતો. ગઇકાલે સાજે યુવક ઘરેથી બહાર નીકળ્યો હતો ત્યારબાદ તે ઘરે પરત ફર્યો ન હતો. યુવકના મોતથી તેના પરિવારજનો અને ગ્રામજનોમાં શોકની લાગણી છવાઈ છે. મૃતકના શરીર પર કોઇ બાહ્ય ઇજા જોવા મળી નથી. જોકે મોતનું સચોટ કારણ પીએમ રિપોર્ટ બાદ જાણવા મળશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
