Sabarkantha Prantij Murder Case: સાબરકાંઠાના પ્રાંતિજનાં લીમડા-વડવાસા ત્રણ રસ્તા પાસે સફેદ વર્ના કારમાં બિનવારસી હાલતમાં ગાંધીનગરના માણસાનાં IIFL ફાયનાન્સ બ્રાન્ચના મેનેજરનો મૃતદેહ ભેદી સંજોગોમાં મળી આવ્યો હતો. સાબરકાંઠા એલસીબી અને પ્રાંતિજ પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરીને આ સનસનાટી ભર્યા મર્ડર કેસનો ખુલાસો કર્યો છે. આ મામલે પોલીસે એક મહિલા આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી ફરાર છે.
પ્રેમી પંખીડાએ મર્ડરનો પ્લાન ઘડ્યો
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે, આરોપી યોગેશ ઠાકોર અને પ્રેમિકા ભાવના ઠાકોરે આ મર્ડરનો પ્લાન ઘડ્યો હતો. મહિલા આરોપી ભાવનાએ મૃતક ભરત ચૌધરી પાસેથી રુ.1.50 લાખ અને આરોપી યોગેશે લોન પેટે કુલ 4.50 લાખની રકમ લીધી હતી. આ રકમ પાછી ન આપવી પડે અને ગીરવે મૂકેલા સોનાના દાગીના પાછા મેળવી શકાય તે માટે પ્રેમી પંખીડાએ મળીને બ્રાન્ચ મેનેજરની હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.
કારમાં છરીથી ગળુ કાપીને હત્યા કરી
કાવતરાના ભાગરુપે મહિલા આરોપીએ બ્રાન્ચ મેનેજર ભરત ચૌધરીને પૈસા આપવાના બહાને ફોન કરીને પ્રાંતિજ ખાતે બોલાવ્યો હતો. ત્યારબાદ યોગેશ ઠાકોરે મૃતક ભરતને ગાંધીનગરના માણસાથી પોતાની વર્ના કારમાં બેસાડીને પ્રાંતિજ તરફ ગયા હતા. જ્યાંથી ભાવના પણ બંને સાથે કારમાં સવાર થઈ હતી. નેશનલ હાઈવે નંબર 48 પર વડવાસા નજીક સર્વિસ રોડ પર ભાવનાએ મૃતક ભરતને પકડી રાખ્યો હતો અને યોગેશે છરી વડે તેનું ગળું કાપી નાખીને હત્યા નિપજાવી હતી,.
પ્રાંતિજથી મહિલા આરોપીની ધરપકડ
હત્યા બાદ મૃતદેહનો નિકાલ કરવા જતી વખતે રોડ સાઈડના ખાડામાં આરોપીઓની કાર ફસાઈ ગઈ હતી. કાર બહાર નીકળે તેમ ન હોવાથી બંને આરોપીઓ મૃતદેહ અને કારને છોડીને ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનાહત વિગતોનૈ આધારે પ્રાંતિજ સરકારી વસાહતના 999 નંબરના બંધ મકાનમાં મહિલા આરોપી ભાવના ઠાકોરની અટકાયત કરી છે. જ્યારે મુખ્ય આરોપી યોગેશજી ઠાકોર ફરાર હોવાથી સાબરકાંઠા એલસીબી અને પ્રાંતિજ પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
