Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં બોર્ડની પરીક્ષા આપવા નીકળેલો ધોરણ-12નો વિદ્યાર્થી રસ્તામાં ચક્કર ખાઈને ઢળી પડ્યો હતો. જે બાદ તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઈડર તાલુકાના કાનપુર ગામના કિરીટસિંહ ચૌહાણ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો દીકરો પ્રણય ચૌહાણ ઈડર ટાઉન હોલ નજીકની ઉમા હોસ્ટેલમાં રહીને કે.એમ. વિદ્યામંદિરમાં બારમા ધોરણમાં અભ્યાસ કરતો હતો.
અત્યારે બોર્ડની પરીક્ષા ચાલી રહી હોવાથી પ્રણયને આજે સંસ્કૃતનું પેપર હતુ. આથી સવારે પ્રણય હોસ્ટેલથી પરીક્ષા આપવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન રસ્તામાં ચક્કર આવતા પ્રણય અચાનક ઢળી પડ્યો હતો.
જેથી તાત્કાલિક તેને સારવાર અર્થે ઈડરની લાઈફ લાઈન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન પ્રણયનું મોત નીપજ્યું હતુ. હાલ તો પ્રણયના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ પ્રણયના મોતનું સાચુ કારણ જાણવા મળી શકે છે. હાલ તો પ્રણયના મોતના પગલે પરિવારમાં શોક છવાયો છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
