Sabarkantha News: પોર્ટુગલ મોકલવાના નામે સાબરકાંઠાના યુવક સાથે ઠગાઈ, અલગ-અલગ દેશોમાં રાખી 4.65 લાખ ખંખેર્યા

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 12 Feb 2024 10:24 AM (IST)Updated: Mon, 12 Feb 2024 10:24 AM (IST)
sabarkantha-news-4-lakh-was-cheated-on-the-young-man-on-the-pretext-of-sending-him-to-portugal

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લામાં એક યુવક સાથે વિદેશ મોકલવાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. દેધરોટાના યુવકને પોર્ટુગલ મોકલવાની વાત કરી વિશ્વાસમાં લીધો હતો અને અલગ-અલગ બીજા દેશોમાં રખી વિશ્વાસઘાત કરી 4.65 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ હિંમતનગર ગ્રામ્ય પોલીસમાં નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાબરકાંઠા જિલ્લાના દેધરોટા ગામના અંકિત પટેલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, દોઢ વર્ષ પહેલા મનુભાઈ પટેલ અંકિતને ગામના એક પ્રસંગમાં મળ્યા હતા. એ સમયે તેમણે અંકિતને કહ્યું હતું કે કામ-ધંધા અર્થે બીજા દેશમાં જવું હોય તો હું અને મારો દીકરો ત્યાં મોકલીએ છીએ. જો તારે જવું હોય તો હિંમતનગર ખાતેની અમારી ઓફીસે આવી જજે. અંકિતે આ બાબતે પિતા અને અન્ય સભ્યોને વાત કરી હતી અને નોકરી માટે પોર્ટુગલ જવાનું કહ્યું હતું. જેથી પરિવારના સભ્યોએ સંમતિ આપી હતી.

અંકિત પટેલ 2022ના જુલાઇ મહિનામાં મનુભાઈએ જણાવેલી ઓફીસ પાવર હાઉસ જીમ એન્ડ ગેમ ઝોન અપના બજાર મહીવરનગર હિંમતનગર ખાતે રૂબરૂ મળવા ગયો હતો. ઓફીસે હીતેશભાઇ તથા તેમના પિતા સાથે મારે પોર્ટુગલ જવા બાબતે વાત નક્કી કરવામાં આવી હતી. હિતેશભાઇએ અંકિતને કહ્યું હતું કે, હાલમાં પોર્ટુગલ દેશમાં જવુ હોય તો હું તને વિઝા કરી આપીશ પરંતુ સીધા પોર્ટુગલ જવાશે નહી. પ્રથમ તારે યુક્રેન જવુ પડશે અને ત્યાંથી પોર્ટુગલ જવાશે અને માટે કુલ 10 લાખ રૂપિયા ખર્ચ થશે.

જેથી અંકિતે 5 ઓગસ્ટ 2022ના રોજ એક લાખ રૂપિયાનો ચેક એડવાન્સ પેટે આપ્યો હતો. 7 ફેબ્રુઆરી 2023ના રોજ હીતેશે અંકિતને ફોન કર્યો હતો અને તારી ટીકિટ તૈયાર છે. આવતીકાલે બપોરે અમદાવાદ રેલવે સ્ટેશને આવીને મને ફોન કરજે આપણે મુંબઈ જવાનું છે. 1.65 લાખ રૂપિયા મારા પિતાને મોકલાવી આપજે તેમ જણાવ્યું હતું. 8 ફેબ્રુઆરી 2023ના રોજ અંકિતે હીતેશનો સંપર્ક કર્યો હતો અને યુક્રેન જવા નીકળ્યો હતો. તેમજ હીતેશના પિતાને 1.65 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા.

હીતેશ તથા અન્ય બે વ્યક્તિ સાથે અંકિત ટ્રેનમાં બેસીને મુંબઇ જવા નીકળ્યો હતો. હીતેશે અંકિતને અજરબૈઝાન(બાકુ)ની ટિકીટ આપી હતી. 9 ફેબ્રુઆરી 2023ના રોજ રાત્રે અઢી વાગ્યે અજરબૈઝાન(બાકુ)ની ફ્લાઇટ હોય હીતેશે અંકિત તથા અન્ય બે વ્યક્તિઓને અજરબૈઝાનની ટિકીટો આપી હતી. હીતેશ, અંકિત અને અન્ય બે વ્યક્તિ અજરબૈઝાન જવા નીકળ્યા હતા. અજરબૈઝાન પહોંચ્યા બાદ હીતેશે જણાવ્યું હતું કે, પોર્ટુગલ જવામાં થોડો સમય લાગી શકે તેમ હોવાથી તમારે અહીં એક અઠવાડિયું રોકાવું પડશે. હીતેશ પણ અંકિત અને અન્ય બે વ્યક્તિ સાથે રોકાયો હતો.

10 માર્ચ 2023ના રોજ અંકિત અને અન્ય ત્રણ વ્યક્તિની કઝાકિસ્તાનની ટિકીટ કરાવી આપી હતી. જ્યાં 15 દિવસ રોકાયા બાદ ટૂરિસ્ટ વિઝા મેળવી પરત અજરબૈઝાન આવ્યા હતા. એ સમયે હીતેશ તુર્કી સાયપ્રસ હોવાથી તેને ફોન કરીને અંકિતે પૂછ્યું હતું કે છેલ્લા એક મહિનાથી તમે અલગ-અલગ જગ્યાએ ફેરવો છો. જેથી હીતેશે અંકિતને કહ્યું હતું કે તું મારા ગામનો છે મારા પર વિશ્વાસ રાખ. ત્યારબાદ ફરી કઝાકિસ્તાનની ટિકીટ કરાવી આપી હતી. 10 દિવસ બાદ પાછા અજરબૈઝાન આવ્યા હતા. 15 મે 2023ના રોજ અંકિત પોતાના ખર્ચે તુર્કી સાયપ્રસ ગયો હતો. જ્યાંથી હીતેશે અંકિતને પ્રાઇવેટ વાહનમાં ગ્રીક સાયપ્રસ જવા કહ્યું હતું.

જ્યાં હીતેશે અંકિતને જણાવ્યું હતું કે, ગ્રીક સાયપ્રસ જતા રહો જ્યાંથી તમને યુએસ રેફ્યુજી કેમ્પમાં 30 દિવસ રાખવામાં આવશે. ત્યાંથી મારો વકીલ તમને છોડાવીને લઇ જશે અને કાયદેસરના વર્ક પરમિટ વિઝા અપાવશે. ગ્રીક યુરોપિયનનો હિસ્સો હોવાથી હું તમને પોર્ટુગલ મોકલવાની વ્યવસ્થા કરાવી આપીશ. આ માટે 2 લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ હીતેશે જણાવ્યું હતું. જેથી અંકિતે હીતેશને બે લાખ રૂપિયા આપ્યા હતા. રેફ્યુઝી કેમ્પમાં 30 દિવસ રોકાયા હતા. તથા કેમ્પ પ્રસાશને 15 દિવસના ગ્રીક સાયપ્રસ વિઝા કરી આપ્યા હતા.

15 દિવસ પૂરા થતા પહેલા વકિલ મારફત વિઝા મેળવવા અરજી સાયપ્રસ કોર્ટમાં કરવી પડશે તેમ જણાવવામાં આવ્યું હતું. જેથી વકિલ થકી અરજી કરી હતી. વકિલ થકી જાણવા મળ્યું હતું કે, ઇમીગ્રેશન પકડતી શાખ ન પકડે ત્યાં સુધી તમે અહીં રહી શકો છો. જો શાખા પકડશે તો તમને ભારત પરત મોકલી દેશે. જેથી અંકિતે હીતેશને ફોન કરતા હીતેશે અંકિત સાથે ઉદ્ધતાઈ પૂર્વક વાત કરી હતી અને થાય તે કરી લેજે કહ્યું હતું. ત્રીસ દિવસ ત્યાં રોકાયા બાદ અંકિતને ભારત પરત મોકલવામાં આવ્યો હતો. હીતેશ પાસે રૂપિયા પરત માગવામાં આવ્યા હતા પરંતુ આપ્યા ન હોવાથી અંકિતે હિમતનગર ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.