Sabar Dairy Protest: સાબરડેરીનો પશુપાલકો માટે મહત્વનો નિર્ણય: દૂધનો વાર્ષિક ભાવફેર પ્રતિ કિલો ફેટ રૂ. 995 કરાયો

14મી તારીખે થયેલા આંદોલન બાદ ડેરીમાં એક બેઠક યોજાઇ હતી, જેમાં પશુપાલકોની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ગત વર્ષે મળેલા ભાવ વધારા કરતાં વધુ ભાવ આપવાનો નિર્ણય લેવાયો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 18 Jul 2025 05:44 PM (IST)Updated: Fri, 18 Jul 2025 06:18 PM (IST)
sabarkantha-cattle-farmers-protest-sabar-dairy-increases-milk-price-to-rs-995-per-kg-fat

Sabar Dairy Protest: સાબરડેરી દ્વારા પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરી દ્વારા દૂધનો વાર્ષિક ભાવફેર પ્રતિ કિલો ફેટ રૂ. 995 કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી હજારો પશુપાલકોને ફાયદો થશે. આ ઉપરાંત, પશુપાલકોના આંદોલન દરમિયાન જેલમાં ગયેલા 47 લોકોને છોડાવવા માટે તાત્કાલિક પ્રયાસો કરવામાં આવશે. સ્વ. અશોક ચૌધરીને સાબરડેરીની તમામ મંડળીઓમાં ભાગીદાર બનાવવામાં આવશે. આ નિર્ણય સાબરડેરી ખાતે યોજાયેલી બેઠકમાં સર્વાનુમતે લેવામાં આવ્યો હતો.

ભાવ વધારાની જાહેરાત અને પશુપાલકોને ફાયદો

14મી તારીખે થયેલા આંદોલન બાદ ડેરીમાં એક બેઠક યોજાઇ હતી, જેમાં પશુપાલકોની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ગત વર્ષે મળેલા ભાવ વધારા કરતાં વધુ ભાવ આપવાનો નિર્ણય લેવાયો હતો. સાબરડેરી દ્વારા જાહેર કરવામાં આવેલા ભાવ વધારા મુજબ, હવે પશુપાલકોને 960 રૂપિયાની જગ્યાએ 995 રૂપિયા પ્રતિ કિલો ફેટ મળશે.

આ ભાવ વધારા સાથે, સાબરડેરી ગુજરાતના તમામ સંઘોમાં સૌથી વધુ ભાવ આપતી ડેરી બની છે. આ ઉપરાંત, પશુપાલકોના આંદોલનમાં જેલમાં ગયેલા 47 લોકોને તાત્કાલિક છોડાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે. સ્વ. અશોક ચૌધરીને સાબરડેરીની તમામ મંડળીઓમાં ભાગીદાર બનાવવાનો નિર્ણય પણ સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. પશુપાલકોની તમામ માંગણીઓ સર્વાનુમતે સ્વીકારવામાં આવી હતી.

આજના નિર્ણયમાં નિયામક મંડળે 995 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો

સાબરડેરીના ચેરમેન શામળ પટેલે જણાવ્યું હતું કે, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો માટે આજે બંને જિલ્લાના પ્રમુખ, ધારાસભ્ય રમણલાલ વોરા, કિસાન સંઘના પ્રમુખ જિલ્લા, બંને જિલ્લાના માજી પ્રમુખ, મંત્રીઓ, મારા નિયામક મંડળના સભ્યો અને બીજા ઉપસ્થિત પ્રતિગણ વ્યક્તિઓ સૌની વચ્ચે ત્રણ મુદ્દા કિસાન સંઘના, જે પ્રજાના હતા એ ત્રણ મુદ્દાની ચર્ચા કરવામાં આવી અને સાબર ડેરી વર્ષે અત્યારે કેટલો ભાવ આપશે.

ચાલુ સાલે દરેકની માંગણી પ્રમાણે સાબર ડેરીનો 960 રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે 995 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો. એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું અને બાકીના 35 રૂપિયા એજીએમની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનો આજે નિર્ણય નિયામક મંડળે કર્યો છે.

શામળ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પશુપાલકોના જે 35 રૂપિયા બાકી છે, તે ચૂકવવા માટે ડેરી વહેલી તકે પ્રયત્ન કરશે. પશુપાલકોને કાચા દૂધના ભાવમાંથી રિફંડની રકમ ચૂકવવા માટે નિયામક મંડળ દર વર્ષે નિર્ણય કરે છે, અને ગુજરાતના 18 સંઘોની પ્રણાલિકા મુજબ પશુપાલકોને ચૂકવવા માટે ડેરી હંમેશાં પ્રયત્નશીલ છે. ઉત્પાદક પશુપાલક દૂધ ઉત્પાદન કરે છે અને મંડળીમાં દૂધ ટેન્કર લેવા જાય છે અને ત્યાં દૂધ ઢોળી નાખે છે, એ ખૂબ જ દુઃખદ વસ્તુ છે.

14મી તારીખે અશોકભાઈ સાથે બનેલી ઘટના પણ દુઃખદ છે. જિલ્લામાં અમુક તત્વો દ્વારા આ પ્રકારના કૃત્યો કરવામાં આવે છે, જે ન થવા જોઈએ. આ સંસ્થા પશુપાલકોની છે અને તેનાથી આખરે પશુપાલકોને જ નુકસાન થઈ રહ્યું છે. સાથોસાથ સંસ્થાને પણ નુકસાન થઈ રહ્યું છે અને જિલ્લાની પ્રતિષ્ઠાને કલંક લાગી રહ્યું છે, જે સૌના માટે દુઃખદ છે.

બેઠકમાં કોણ કોણ હાજર રહ્યું?

આ બેઠકમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને પૂર્વ વિધાનસભા અધ્યક્ષ સહિત ડેરીના નિયામક મંડળના સભ્યો, પશુપાલક આગેવાનો અને કિસાન સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા. 18 દૂધ સંઘોમાંથી માત્ર બે જ સંઘોએ હાલમાં ભાવ વધારો આપ્યો છે, ત્યારે સાબરડેરીનો આ નિર્ણય પશુપાલકો માટે રાહતરૂપ સાબિત થશે.