દૂધના ભાવ વધશે કે નહીં? અન્ય દૂધ સંઘોના નિર્ણય પર સાબર ડેરીની નજર, પશુપાલકો માટે નિયામક મંડળની બેઠકમાં શું થઈ ચર્ચા?

સાબર ડેરીના નિયામક મંડળની બેઠકમાં દૂધના ખરીદ ભાવ અને પશુદાણના દર અંગે ચર્ચા થઈ છે. અન્ય દૂધ સંઘો ભાવ વધારશે તો સાબર ડેરી પણ ભાવ વધારશે, જ્યારે હાલ પશુદાણમાં ઘટાડાની શક્યતા નહીં.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 26 Nov 2026 08:59 PM (IST)Updated: Thu, 26 Nov 2026 08:59 PM (IST)
sabardairy-milk-procurement-price-hike-cattle-feed-rates-board-meeting-farmers-clarification

Sabar dairy Milk Price: સાબર ડેરીના નિયામક મંડળ દ્વારા યોજવામાં આવેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધનના ખરીદ ભાવ અને પશુદાણના દર અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. બેઠક દરમિયાન એવી નક્કી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે કે, જો અન્ય દૂધ સંઘો દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવશે. તો સાબર ડેરી પણ તે મુજબ પશુપાલકોને ચૂકવવામાં આવતા ભાવમાં વધારો કરશે.

અન્ય દૂધ સંઘો સાથે ભાવની સરખામણી અને પશુપાલકોનું હિત

નિયામક મંડળની બેઠકમાં વિવિધ દૂધ સંઘો દ્વારા પશુપાલકોને આપવામાં આવતા દૂધના ખરીદ ભાવની ઝીણવટભરી સરખામણી કરવામાં આવી હતી. પશુપાલકોને આર્થિક રીતે મજબૂતી મળે અને યોગ્ય વળતર મળી રહે તે હેતુથી દૂધના ભાવ વધારવા અંગે સકારાત્મક ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. અન્ય સંઘોના ભાવ વધારાના પગલે સાબર ડેરી પણ પશુપાલકોને સ્પર્ધાત્મક અને યોગ્ય ભાવ આપવા માટે કટિબદ્ધ હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

પશુદાણમાં ઘટાડાની શક્યતા નહીવત્ત

સાબર ડેરીના નિયામક મંડળની બેઠકમાં દૂધના ભાવની સાથે સાથે પશુદાણના વર્તમાન ભાવની પણ સમીક્ષા કરવામાં આવી હતી. સાબર ડેરીના સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે, પશુદાણના ઉત્પાદનમાં વપરાતા મુખ્ય કાચા માલ જેવા જીઓઆરબી અને મકાઈના ભાવમાં વધારો થયો છે. કાચા માલના ભાવ વધતા પશુદાણનો ઉત્પાદન ખર્ચ પણ ઉચો જવા પામ્યો છે.

સત્તાધીશો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, હાલ પશુદાણનું ઉત્પાદન નફા-નુકસાન વગરના ધોરણે કરવામાં આવી રહ્યું છે અને પશુપાલકોને રાહત દરે તથા નિયમિત પશુદાણ મળે તે માટે સાબર ડેરી કેટલીક ખોટ પણ સહન કરી રહી છે. ભવિષ્યમાં જો ડીઓઆરબી અને મકાઈ જેવા કાચા માલના ભાવમાં ઘટાડો થશે, તો પશુદાણના ભાવ ઘટાડવા અંગે ચોક્કસ વિચારણા કરવામાં આવશે. પરંતુ વર્તમાન સ્થિતિની વાત કરીએ તો, પશુદાણના ભાવ ઘટાડવાની કોઈ શક્યતા નથી.

યોગ્ય ભાવ અને ગુણવત્તાયુક્ત પશુદાણ માટે સાબર ડેરી પ્રયત્નશીલ

નિયામક મંડળની બેઠકમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે પશુપાલકોને દૂધના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળે તેમજ સાથે-સાથે ઉચ્ચ ગુણવત્તાનું પશુદાણ ઉપલબ્ધ થાય તે માટે સાબર ડેરી સતત પ્રયત્નશીલ રહેશે.