Sabar Dairy Protest: સાબરકાંઠાની સાબર ડેરીમાં ગત 13 જુલાઈથી પશુપાલકો અને ડેરી વચ્ચે દૂધના ભાવફેરને લઇને વિવાદ ચાલી રહ્યો છે. મોટી સંખ્યામાં પશુપાલકો દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. જોકે તે હિંસક બની જતાં પોલીસે 1 હજારના ટોળા સામે ફરિયાદ નોંધી છે. આ વિરોધ પછી પણ ભાવફેર અંગે ડેરી દ્વારા કોઇ નિર્ણય લેવામાં નહીં આવતા પશુપાલકો ડેરીમાં દૂધ ભરવાના બદલે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં દૂધ ઢોળી દેવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. જેના પગલે ડેરીમાં દૂધની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ વિવાદ આજે પાંચમા દિવસે પણ ચાલી રહ્યો છે.
આકોદરામાં પશુપાલકોનો ઉગ્ર વિરોધ
સાબરકાંઠા જિલ્લામાં સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં કરાયેલા ઘટાડાને પગલે પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પશુપાલકો અને ડેરી વચ્ચે વિવાદ આજે પાંચમા દિવસમાં પ્રવેશ્યો છે. આજે જવાનપુર નજીક બે ટેંકરમાંથી દૂધ ઢોળીને પશુપાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર પશુપાલકોનો દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો છે. આ વિરોધની આગ દેશની પ્રથમ એનિમલ હોસ્ટેલ ધરાવતા આકોદરા ગામ સુધી પહોંચી છે, જ્યાં પશુપાલકો સતત પાંચમા દિવસે મંડળીમાં દૂધ એકત્રીકરણ બંધ રાખીને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે.
ભાવફેરના વિરોધમાં આકોદરા ગામના પશુપાલકોએ મંડળીમાં દૂધ આપવાનું બંધ કરીને જરૂરિયાતમંદ લોકોને મફત દૂધનું વિતરણ શરૂ કર્યું છે. ગામના પશુપાલકોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મંડળીમાં દૂધ નહીં ભરાવે. આ વિરોધને કારણે મંડળીમાં દૂધ એકત્રીકરણની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.
પશુપાલકોની માંગણીઓ
પશુપાલકોની માગણી છેકે દૂધના ભાવમાં યોગ્ય ભાવફેર કરવામાં આવે. પશુપાલકો સામે થયેલા કેસો પાછા ખેંચવામાં આવે. પશુપાલકોનું કહેવું છે કે ભાવફેર ઓછો હોવાને કારણે તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે તેઓ મંડળીમાં દૂધ ભરવવા માટે અસમર્થ છે. જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે.
ઓડિટ બાદ સામાન્ય સભા યોજાશે અને ભાવફેરની રકમ ચૂકવાશેઃ ડેરીના એમડી
સામાન્ય રીતે સાબર ડેરીની સામાન્ય સભા જૂન મહિનામાં મળતી હોય છે અને ત્યારબાદ સભામાં નક્કી થયા મુજબ દૂધના ભાવ વધારા અને બોનસની ચૂકવણી કરવામાં આવે છે. પરંતુ ઓડિટના કારણે સામાન્ય સભા મળી નથી. સામાન્ય સભા મળ્યા બાદ ભાવફેર ચૂકવવામાં આવશે.
પશુપાલકો દૂધ ભરવાનું શરૂ કરે: એમ.ડી. સુભાષ પટેલે જણાવ્યું કે ઓડીટ પૂરું થયા પછી સામાન્ય સભા યોજાશે અને ત્યારબાદ પશુપાલકોને દૂધના ભાવફેરની વધુ રકમ ચૂકવવામાં આવશે. કેટલાક અસામાજીક તત્વો પશુપાલકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને પશુપાલકોને નુક્સાન થઈ રહ્યું છે ત્યારે પશુપાલકોએ સાબરડેરી સંલગ્ન દૂધ મંડળીઓમાં દૂધ ભરવાનું શરુ કરે. સાબરડેરી હંમેશાં પશુપાલકોના પડખે છે અને રહેશે.
શું છે સમગ્ર મામલો
સાબર ડેરીમાં તાજેતરમાં પશુપાલકો દ્વારા દૂધના ભાવમાં વધારો અને વાર્ષિક ભાવફેર (બોનસ)ની ઓછી ચૂકવણીને લઈને વિવાદ વધુ વકર્યો છે. આ મુદ્દે પશુપાલકોના પ્રદર્શનો હિંસક બન્યા હતા. હિંમતનગર ખાતે સાબર ડેરીના પરિસરમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે વાહનોને નુકસાન થયું હતું અને પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા, જેમાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.
પોલીસે આ ઘટના બાદ લગભગ 1,000 લોકો સામે FIR દાખલ કરી છે અને 47 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વિરોધના ભાગરૂપે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પશુપાલકોએ રસ્તાઓ પર દૂધ ઢોળીને વિરોધ વ્યક્ત કર્યો હતો અને ડેરીને દૂધ આપવાનું બંધ કરી દીધું હતું. જેના પરિણામે સાબર ડેરીમાં દૂધની આવક ઘટી ગઈ છે અને પાવડરનું ઉત્પાદન પણ બંધ કરવું પડ્યું છે. આના કારણે દૂધના પુરવઠા પર પણ અસર પડી છે.
