Himatnagar: હિંમતનગરમાં નિવૃત્ત પોલીસકર્મી અને તેની પત્નીની હત્યા-લૂંટને લગતા કિસ્સાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. ડબલ મર્ડર સાથે લૂંટની આ ઘટનામાં પુત્રવધૂ, પૌત્ર અને તેમના મિત્રની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ સાથે તેમની પાસેથી રોકડ રૂપિયા 30.30 લાખ, સોનાના દાગીના 129.598 ગ્રામ પણ જપ્ત કર્યાં છે.
આ ઘટનામાં સાસુ-સસરાના ત્રાસથી કંટાળેલી પુત્રવધૂ અને પૌત્રએ ભેગાં મળી મિત્રની મદદ લીધી હતી. આ માટે રૂપિયા 10 લાખ સોપારી આપવામાં આવી હોવાની પણ માહિતી મળી છે. પોલીસે અત્યારે લૂંટ વિથ ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલ 4 વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની નાયબ પોલીસ અધીક્ષક Dy.Sp. એકે પટેલે જણાવ્યું હતું કે હિંમતનગરમાં રહેતા નિવૃત્ત પોલીસ કર્મચારી વિક્રમસિંહ જુજારસિંહ ભાટી તથા તેમના પત્ની મનહરબાની મંગળવારે હત્યા થઈ હતી. લૂંટ વિથ મર્ડરની આ ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત પોલીસકર્મી વિક્રમસિંહ જુજારસિંહ ભાટી તથા તેમની પત્ની મનહરબા ભાટીની અજાણ્યા બે વ્યક્તિ દ્વારા હત્યા કરીને ઘરમાં રહેલા રોકડા રૂપિયા 35 લાખ તથા સોનાના દાગીના 65 તોલા લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન તથા એલસીબીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક મુલાકાતમાં મૃતક વિક્રમસિંહ તથા મનહરબા ભાટીના દીકરા વનરાજસિંહની પત્ની મીત્તલકુમારીના રસોડામાં લોહીના ડાઘાવાળા પગલા પડ્યા હતા. તે જગ્યાએ કપડુ મારીને નિશાની હટાવ્યા હોવાનુ ખુલ્યું હતું.
જેથી મીત્તલકુમારીની અલગ અલગ રીતે પુછપરછ કરતા મીત્તલકુમારી ભાંગી પડી હતી અને સમગ્ર હત્યાની ઘટનાને કેવી રીતે અંજામ આપી તેની કબૂલાત કરી હતી. મીત્તલકુમારીએ PI બીપી ડોડીયા સમક્ષ જણાવ્યું હતું કે સસરા નિવૃત્ત પોલીસ કર્મચારી વિક્રમસિંહ ભાટી તથા તેના સાસુ મનહરબા તેમને અને સગીરવયના દીકરાને માનસિક ત્રાસ આપતા હતા. તેઓ અવારનવાર ઝઘડો, તકરાર પણ કરતા હતા. ત્રાસથી કંટાળેલી મીત્તલકુમારી તથા તેમના સગીરવયના દીકરાએ ભેગા મળીને વિક્રમસિંહ ભાટી તથા મનહરબાની હત્યા કરવાનું નક્કી કરી દીધું હતું.
