હિંમતનગરમાં 13 સપ્ટેમ્બરે બટાકાના ખેડૂતોની મહાસભા: કોન્ટ્રાક્ટ ફાર્મિંગના વિરોધમાં વાવેતર નહીં કરવાની ચીમકી

હડિયોલ ગામમાં આયોજિત રાત્રી સભામાં ખેડૂતોએ મહાસભા યોજવાની જાહેરાત કરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 08 Sep 2026 08:40 AM (IST)Updated: Tue, 08 Sep 2026 08:40 AM (IST)
himatnagar-potato-farmers-protest-over-contract-farming-13-september-mahasabha
હડિયોલ ગામ ખેડૂતોની રાત્રીસભા

Himatnagar Farmers Mahasabha: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બટાકા પકવતા ખેડૂતોએ વર્તમાન ખરીદ ભાવ અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી કંપનીઓની ભેદભાવભરી કાર્યપદ્ધતિ સામે લાલ આંખ કરીને આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. જે અંતર્ગત આગામી 13 સપ્ટેમ્બરે હિંમતનગરમાં ખેડૂતોની એક વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

13 સપ્ટેમ્બરે હિંમતનગરમાં ખેડૂતોની મહાસભા

ગત રવિવારના રોજ રાત્રે હડિયોલ ગામમાં આયોજિત એક રાત્રી સભામાં ખેડૂતોએ એકમત થઈને જાહેરાત કરી કે, જો કંપનીઓ તેમની માંગણી સ્વીકારશે નહીં, તો તેઓ આગામી શિયાળુ સીઝનમાંબટાકાનું વાવેતર બિલકુલ નહીં કરે. આ ઉગ્ર વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આગામી 13 સપ્ટેમ્બરે હિંમતનગર APMC ખાતે સમગ્ર જિલ્લાના ખેડૂતોની એક વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

કંપની એગ્રીમેન્ટ ટાળે છે, વચેટીયા પ્રથાનો વિરોધ

ખેડૂતોનો સૌથી મોટો આક્ષેપ એ છે કે અગાઉ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતી કંપનીઓ ખેડૂતો સાથે સીધા લેખિત કરાર (એગ્રીમેન્ટ) કરતી હતી, જેના લીધે ખેડૂતો પોતાની રજૂઆત કે ફરિયાદ સત્તાવાર રીતે પક્ષકાર તરીકે કરી શકતા હતા. પરંતુ, છેલ્લા બે વર્ષથી આ વ્યવસ્થામાં કંપનીઓએ 'વેન્ડર સિસ્ટમ' દાખલ કરી દીધી છે.

હવે કંપનીઓ સીધા કરાર કરવાને બદલે વચેટીયાઓ (વેન્ડર્સ) ના માધ્યમથી કામ ચલાવે છે, જેના કારણે ખેડૂતોનો કાયદેસરનો રજૂઆત કરવાનો અને ફરિયાદ કરવાનો હક છીનવાઈ ગયો છે. કાયદાની જોગવાઈ મુજબ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતી કંપનીઓએ APMC માં રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે, પરંતુ હાલમાં આ નિયમોનું પાલન થતું નથી.

300 રૂપિયા ભાવ આપવાની પાયાની માંગણી

બીજો મુખ્ય વિવાદ બટાકાના ખરીદ ભાવને લઈને છે, જેમાં નનાનપુર ગામના ખેડૂત ભવ્ય પટેલે જણાવ્યું છે કે, હાલમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ હેઠળ કંપનીઓ ખેડૂતોને માત્ર ₹245 થી ₹260 પ્રતિ મણ/એકમ જેટલો જ અત્યંત ઓછો ભાવ આપી રહી છે. આ બેઠકોમાં અત્યાર સુધીમાં આશરે 60 ગામના ખેડૂતો જોડાઈ ચૂક્યા છે. જો આગામી સમયમાં ખેડૂતોને ₹300 થી વધુનો ભાવ નહીં મળે તો તેઓ બટાકાનું વાવેતર જ નહીં કરે.

ખર્ચમાં તોતિંગ વધારો છતાં જૂના ભાવ યથાવત

વાઘરોટા ગામના ખેડૂત કૌશિક પટેલે જણાવ્યું કે, ખેડૂતોને ખાતર, હાર્વેસ્ટિંગ, બીયારણ, વાવણી અને કાઢવાની મજૂરી તેમજ ડિઝલના વધેલા ભાવોને કારણે બટાકા ઉગાડવાનો ખર્ચ અત્યંત વધી ગયો છે. આટલી મોંઘવારીનો હોવા છતાં, જ્યારે બટાકાનો પાક તૈયાર થઈને બજારમાં આવે છે ત્યારે કંપનીઓ જૂના નક્કી કરેલા ભાવ જ ચૂકવે છે, જે પોસાય તેમ નથી.