Sabarkantha: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારી સ્વાભિમાન મહાસંમેલનનું આયોજન કરાયું હતુ. સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે બાવન ગામ કડવા પાટીદાર સમાજ વાડીમાં હજારો મહિલાઓ ઉમટી હતી.
શંખનાદ સાથે નારી સ્વાભિમાન મહાસંમેલનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સાબરકાંઠા જિલ્લાની મહિલાઓ ઉપસ્થિત રહી હતી. 21મી સદીમાં મહિલાઓના સ્વાભિમાન અને શક્તિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી.પટેલના માર્ગદર્શન હેઠળ સંસ્થાના મહિલા સંગઠન પ્રમુખ ડૉ. રૂપલબેન પટેલ અને વિશ્વ હિંદુ પરિષદના સંયુક્ત ક્ષેત્રીય પ્રમુમ ડૉ. યજ્ઞાબેન જોષી મુખ્યમહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે વાત કરતા વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું કે, સશક્ત નારી, સશક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રાંતિજમાં નારી સ્વાભિમાન મહાસંમેલનનું આયોજન કરાયું હતું. આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત મા ઉમિયા એ શક્તિ સ્વરૂપા છે અને નારી શક્તિને સશક્ત કરવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
